અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર વતરાવ્યો છે અને રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ અને મૃત્યુના આંકડા દરેકને ડરાવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતીને લઇને સુઓમોટો અરજી પર આજે હાઇકોર્ટમાં વધુ સૂનાવણી હાથ ધરાશે. ગત સૂનાવણીમાં સરકારને સોગંદનામુ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે સરકારે ૮ર પાનાનુ સોગંદનામુ હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે.
કોરોનાની હાલની સ્થિતીને પહોંચી વળવા સરકાર સક્ષમ હોવાનો રાજય સરકારે સોગંદનામામાં દાવો કર્યો છે. રાજયમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતને પણ પહોંચી વળવા સક્ષમ હોવાનો પણ રાજય સરકારે દાવો કર્યો છે. રાજયમાં જિલ્લા સ્તરે આરટીપીસીઆર ટેસ્ટિંગ માજ્ઞે માળખુ ઉભુ કરવા રાજય સરકાર કામ કરતી હોવાનુ પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.
સરકારે સોગંદનામામાં કહ્યુ છે કે, રાજયમાં આરટીપીસીઆર માટે ર૭ સરકારી અને પપ પ્રાઇવેટ સહિત કુલ ૯૮ લેબ કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થાનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે. ડ્રાઇવ થ્રુમાં રોજના બેથી ત્રણ હજાર ટેસ્ટ થતા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. તો રાજયમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થઇને કુલ ૭૯ હજાર ૪૪૪ બેડ હોવાનો સરકારે દાવો કર્યો છે.
કોરોનાના દર્દીઓને યોગ્ય સુવિધા મળે તે માટે આઇએએસ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપ્યાનુ પણ સરકારે જણાવ્યુ છે. આગામી સમયમાં યુનિવર્સિટી કન્વેક્શન સેન્ટરમાં ૯૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ થઇ રહ્યાની પણ જાણકારી આપી છે.