ઉદ્યોગ-ધંધાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના કેસને લઈને ઉદ્યોગોમાં આજથી બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયુ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં બે દિવસનું લોકડાઉન લાગુ કરાયુ છે. રાજકોટ જિલ્લાના તમામ ઉદ્યોગો બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સુધી બંધ રહેશે. શાપર વેરાવળ, મેટોડા જીઆઇડીસી અને આજી જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો પણ બંધ રહેશે. આમ સમગ્ર જિલ્લામાં જોઇએ તો અંદાજિત પાંચ હજાર ઉધોગો બે દિવસ માટે બંધ રહેશે..
રાજકોટ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સવારથી ફરી એમ્બ્યૂલન્સની કતારો લાગી છે. હોસ્પિટલમાં દાખલ થવા માટે વાહનોની કતાર વહેલી સવારથી લાગી ગઇ છે. સવારના જ સમયમાં અંદાજે 80 થી વધુ દર્દીઓ 108 અને ખાનગી વાહનોમાં કતારમાં લાગ્યા છે. ગંભીર સ્થીતી ધરાવતા દર્દીઓની કતારમાં જ સારવાર ચાલી રહી છે.
સરકારના ઉચ્ચ સત્તાધીશોએ ગાંધીનગર બેઠા અને રાજકોટમાં આવીને બેડની તંગી નહીં રહે, છ દિવસમાં છ હજાર બેડ વધારીશું, ઈન્જેક્શનની તંગી નથી એવી કરેલી વાતો હજુ વ્યવહારમાં જોવા નથી મળતી, વ્યવહારમાં જમીન પર આજે સિવિલ હોસ્પિટલે ૧૦૦ જેટલી એમ્બ્યુલન્સ ધોમધખતા તાપમાં (હવે માંડવા નંખાયા છે.) સારવાર માટે તરસતા દર્દીઓને બેડ મળે તેની રાહ જોતા કતારમાં ઉભેલી નજરે પડી હતી. એક દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં લાંબી કતારો હોય ઘરેથી જ ખાટલો લાવી દર્દીને તેના પર સુવડાવીને ઓક્સીજન ચડાવાયું હતું.