સોનાને સંકટ સમયની સાંકળ ગણવામાં આવે છે અને હાલ કોરોના સંકટકાળમાં ફરી સોનાના ભાવ વધી રહ્યા છે. આથી જે લોકો સોનું ખરીદવા માંગે છે તેમણે ઉંચા ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
કોરોના સંકટ સહિત વૈશ્વિક બજારના પરિબળોના લીધે ચાલુ એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સોના-ચાંદીના ભાવમાં ફરી તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવ ચાલુ એપ્રિલ મહિનામાં ઘણા વધી ગયા છે.
અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાની કિંમત 500 રૂપિયા ઉછળી અને પ્રતિ 10 ગ્રામની કિંમત 49,500 રૂપિયા થઇ હતી જે સવા બે મહિનાથી પણ વધારે ઉંચો ભાવ છે. સ્થાનિક બજારમાં છેલ્લે ગત 11 ફેબ્રુઆરીના રોજ સોનાની કિંમત 49,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઇ હતી. સોનાની પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. આજે સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત 300 રૂપિયા વધીને પ્રતિ એક કિગ્રા દીઠ 69,800 રૂપિયા થઇ હતી.
આમ ચાલુ એપ્રિલ મહિનામાં અત્યાર સુધી સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 3700 રૂપિયા વધી છે. તો ચાંદીની કિંમતમાં પ્રતિ એક કિગ્રા દીઠ 5300 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો.
આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત એકંદરે સ્થિર 1778 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રહી હતી. તો ચાંદી સાધારણ વધીને 25.89 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.