કામદા એકાદશી ચૈત્રી સુદ અગિયારસે આવે છે. આ દિવસે ભગવાન વાસુદેવનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 23 એપ્રિલ, શુક્રવારે કરવામાં આવશે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક અન્નદાન કરી શકે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે. કામદા એકાદશીની કથા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ચૈત્ર સુદ એકાદશી વિશે પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે, આ કથા પહેલાં વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને સંભળાવી હતી.રત્નપુર નામના નગરમાં પુંડરિક નામનો રાજા હતો. તેના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વ પણ રહેતાં હતાં તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ પતિ-પત્ની પણ હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. એક દિવસ રાજાની સભામાં નૃત્ય સમારોહ થયો, જેમાં ગંધર્વ લલિત સભામાં ગાઇ રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તે પત્નીની યાદમાં ખોવાઇ ગયો, જેનાથી તેના સુર ખરાબ થઇ ગયાં. કર્કોટ નામના નાગે આ ભૂલને સમજીને રાજાને જણાવી દીધી. જેથી રાજાને ગુસ્સો આવ્યો અને લલિતને શ્રાપ આપીને એક વિશાળકાય રાક્ષસ બનાવી દીધો. પતિની આ સ્થિતિને જોઇને લલિતાને ખૂબ જ દુઃખ થયું. તે પણ રાક્ષસ યોનિમાં આવીને પતિની આ પીડાથી મુક્તિનો રસ્તો શોધતી રહી. એક દિવસ તેણે શ્રૃંગી ઋષિને આ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, ચૈત્ર સુદ એકાદશી તિથિ આવશે. આ વ્રતને કામદા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતનું વિધિપૂર્વક વ્રત કરવાથી તારા પતિને રાક્ષસી જીવનમાંથી મુક્તિ મળી શકે છે. લલિતાએ ઋષિ શ્રૃંગીના જણાવ્યાં પ્રમાણે વ્રત કર્યું. જેનાથી તેના પતિને રાક્ષસ યોનિમાંથી મુક્તિ મળી ગઇ. અજાણતાં કરેલાં અપરાધ અથવા પાપના ફળથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે.
