પણજીઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયંકર સ્વરૂપ ધારણ કરી ચક્યુ છે. મહારાષ્ટ્ર સહિત દેશભરના ઘણા રાજ્યોમાં લોકડાઉન અને રાત્રી કરફ્યુ લાગુ કરાયુ છે ત્યારે વધુ એક રાજ્યમાં કોરોના મહામારીના લીધે કરફ્યુ લાગુ કરવામાં આવ્યુ છે. ગુજરાતીઓના મનપસંદ પ્રવાસન સ્થળ ગોવામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા આજ રાતથી 10 દિવસનું કરફ્યુ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ હતું કે, કોવિડ કેસને જોતા ગોવામાં આજ રાતથી 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે, ગોવામાં કોવિડ-19 મામલા પર નિયંત્રણ લાવવા માટે 21થી 30 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવામાં આવ્યુ છે. કેસિનો, રેસ્ટોરંટ અને બાર, સિનેમાં હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગોવા બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં જ્યારે પણ પરીક્ષા આયોજન કરવામાં આવશે, ત્યારે 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે.
એક જ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ 951 મામલા સામે આવ્યા બાદ સંક્રમિત થયેલા લોકોની સંખ્યા અહીં 67,212 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કોરોનાથી વધુ 11 લોકોના મોત થઈ ગયા છે.