ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધ્યો અને બીજી બાજુ દર્દીઓની સારવારમાં વપરાતા રેમડસિવિર ઇન્જેક્શનની ભારે તંગી સર્જાઇ છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાંક મહત્વનો આદેશ કર્યો છે. રેમડેસિવિરના વિતરણને લઇને રાજયવ્યાપી પોલીસી બનાવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટેઆ પોલિસી તમામ પરિબળોને ધ્યાનમાં લઈને બનાવવા આદેશ કર્યો છે. દર્દી સરકારી હોસ્પિટલમાં છે કે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેવા ભેદભાવ ન રાખવા પણ કહયુ છે.
સરકારના આરોગ્ય સચિવે તમામ સંલગ્ન લોકો સાથે ઈમરજન્સી મીટિંગ કરી અને નીતિ ઘડી કાઢવા કહ્યુ છે. તેમણે આ પોલિસીને રાજ્યભરમાં લાગુ કરવા આદેશ કર્યો છે. ખાસ તો મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર કે જિલ્લા કલેક્ટરની મનસુફીના આધારે રેમડેસિવિરનું વિતરણ ન થવું જોઈએ તેવુ હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યુ છે.
ગુજરાત હાઇકોર્ટે વધુ સ્પષ્ટતા કરતા કહ્યુ કે રેમડેસિવિરનું વિતરણ કલેક્ટર અથવા કમિશનર કક્ષાએ થઈ શકે છે પરંતુ આ અંગેની નીતિ તો રાજ્ય સરકારે જ ઘડવી જોઈએ. હાઇકોર્ટે એસવીપીને પણ આડે હાથ લીધી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલોની રેમડેસિવિરની જોઇતો જથ્થો અમદાવાદની એસવીપી હોસ્પિટલ આપતી નથી. હાઇકોર્ટે સરકારને આની તપાસ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જે દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમને સૌપ્રથમ રેમડેસિવિર મળવું જોઈએ. ત્યારબાદ આઈસીયુમાં રાખેલા દર્દીને અને ત્યારબાદ ઓક્સિજન પર રહેલા દર્દીઓને રેમડેસિવીર આપવા કહ્યુ છે. દર્દીને કેટલા સમયથી ઓક્સિજન પર રાખ્યા છે તેના આધારે રેમડેસેવિર મળવું જોઈએ. છેલ્લે ઓછા ગંભીર દર્દીઓને કે જેમને જરૂર છે તેમને રેમડેસિવિર મળવું જોઈએ. રેમડેસિવિર આપવાનો આધાર દર્દીની ગંભીરતા હોવો જોઈએ તે સરકારી હોસ્પિટલમાં છે કે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે તે સાથે કોઈ લેવાદેવા નથી.
ઇકોર્ટે ૧૦૮ના વ્યવસ્થાપનને લઇને પણ મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યુ છે કે 108માં વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓને લઈ જવામાં આવે છે. ખરેખર તો વધુ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને પહેલાં ખસેડવા જોઈએ. હાઇકોર્ટે સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ માત્ર ઘરેથી દર્દીઓને લઈ જાય છે. અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને લઈ જતી નથી તે મુદ્દે પણ ટકોર કરી છે.