ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એવામાં કોરોનાની વકરતી પરિસ્થિતિ વચ્ચે તબીબો પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો મત જણાવી રહ્યાં છે. કોવિડ ટાસ્ક ફોર્સ પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યાં છે. જેના અનુસંધાને ડૉક્ટર વી.એન શાહે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, ‘રાજ્યની કોવિડ ગાઇડલાઇનમાં ફેરફાર કરાયો છે. નિષ્ણાંતોના મતે ગાઇડલાઇનમાં ફેરફાર કરાયો છે. સારવાર માટેના પ્રોટોકોલમાં પણ ફેરફાર કરાયો છે. રેમડેસિવિર ઇન્જેક્શનથી મૃત્યુઆંક ઘટાડી શકાયો નથી. બિનજરૂરી દવાઓ ન લો.’
વધુમાં ડૉક્ટર વી.એન શાહે જણાવ્યું કે, ‘બે નવી ટેબ્લેટને ઉમેરો. રેમડેસિવિર એ અક્સીર ઇલાજ નથી. અત્યાર સુધીમાં 90 હજારથી વધુ રિસર્ચ થયા છે. દર્દીઓએ જાતે દોડવાની જરૂર નથી.’
નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સે પોતાનો અભિપ્રાય આપ્યો જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ એકત્ર થઇ હતી. જેમાં ડૉ. વી.એન શાહ, ડૉ. દિલીપ માવલંકર સહિતના ડૉક્ટરોની ટીમે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
આ ઉપરાંત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય વી.એન.શાહે જણાવ્યું કે, ‘કોરોના પર 90 હજાર જેટલાં રિસર્ચ થયા છે તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આજે જણાવ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શન અસરકારક નથી. ઘરે 6 મિનિટ ચાલો અને ઓક્સિજન 94થી નીચે જો આવે તો ખતરાની ઘંટી છે. હર્ડ ઈમ્યૂનિટી માટે વેક્સિનેશન ખૂબ જરૂરી છે. આપણે હર્ડ ઈમ્યૂનિટી માટે વેક્સિનેશનનો ડ્રાઈવ ચલાવવો પડશે. જૂન સુધીમાં 59 કરોડ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ આપેલો છે. તેના લોજિસ્ટિક તૈયાર છે. ખાલી હવામાં વાત નથી ચાલી રહી પરંતુ આપણે બ્લાઈન્ડ રમી રહ્યાં છીએ.’
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં કોરોનાની કારમી બીજી લહેરે રાજયમાં ઉભી કરેલી પરિસ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા, ઓક્સીઝનની વ્યવસ્થા ઉભી કરવા રસીકરણનો વ્યાપ વધારવા તેમજ 900 બેડની કન્વેનશન સેન્ટર ખાતે ઉભી થઇ રહેલી હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કેબિનેટ બેઠક દરમ્યાન પ્રધાનોએ કોરોનાની મહામારીમાં નિવૃત થયેલા સિનિયર તબીબોની પણ મદદ લેવામાં આવે તેવું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સિનિયર તેમજ અનુભવી નિવૃત સરકારી તબીબોને પણ તાત્કાલિક ફરજ પર પાછા બોલાવવામાં આવે.