દેશમાં કોરોના ને લઈ કટોકટી જેવી સ્થિતિ ઉભી થઇ છે અને ઓક્સિજન વગર અત્યાર સુધીમાં અનેક લોકો ના મોત થઈ ચૂક્યા છે ત્યારે હવે આ મુદ્દે જનતા માં હોબાળો મચતા હવે ઓક્સિજનના સપ્લાઈને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ રિવ્યુ બેઠક કરી છે અને સબંધિત અધિકારીઓને સાથે ચર્ચા કરી રાજ્યોને અપાઈ રહેલા ઓક્સિજન સપ્લાઈમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે તેવા પગલાં ભરવા જણાવી દેશની હાલની સ્થિતિને જોતા ઓક્સિજનના પ્રોડક્શન અને સપ્લાઈને વધારવાની પદ્ધતિઓ પર ભાર આપવા જણાવ્યું હતું. નોંધનીય છે કે હાલ ઓક્સિજનના મુદ્દા પર દેશની 6 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેવે સમયે જ ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે ઓક્સિજન સપ્લાઈ વાળી ગાડીઓને રોકટોક વગર જવા દેવામાં આવે.
બેઠક દરમિયાન અધિકારીઓએ પોતાના અભિપ્રાય માં વડાપ્રધાનને જણાવ્યું કે અમે રાજ્યોની સાથે મળીને પ્રસ્તાવિત ઓક્સિજન પ્લાન્ટ્સને ઝડપથી શરૂ કરવા પર કામ કરી રહ્યાં છે અને છેલ્લા થોડા દિવસોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનમાં પ્રત્યેક દિવસે 3 હજાર 300 મેટ્રિક ટનનો વધારો થયો છે. તેમાં પ્રાઈવેટ, સરકારી સ્ટીલ પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીઝ અને ઓક્સિજન મેન્યુફેકચર્સ પણ મદદ માટે આવ્યા છે. તેમણે બિનજરૂરી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ માટે ઓક્સિજન સપ્લાઈ રોકી દીધો છે તેમજ રાજ્યોને તેમની જરૂરિયાત મુજબનો ઓક્સિજન આપવાનું નિશ્ચિત કરાઈ રહ્યું છે અને તેના માટે રાજ્યો સાથે સતત વાત કરવામાં આવી રહી છે. 21 એપ્રિલથી 20 રાજ્યોમાં પ્રત્યેક દિવસે 6 હજાર 785 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન જરૂરિયાત પડી રહી છે અને તેમને સરકાર તરફથી 6 હજાર 800 મેટ્રિક ટન ઓક્સિજન અપાઈ રહ્યો છે.
વડાપ્રધાને ઓક્સિજન પ્રોડક્શન, તેના ડિસ્ટ્રીબ્યુશનમાં તેજી, હેલ્થ કેર ફેસિલિટીમાં ઓક્સિજન સપ્લાઈ માટે નવા રસ્તાઓ શોધવા પર ભાર મૂક્યો છે અને ઓક્સિજન લઈને જઈ રહેલી ગાડીઓ પર એકથી બીજા રાજ્યોમાં જવા પર પણ કોઈ પ્રતિબંધ નહિ રહે. ઓક્સિજન મેન્યુફેકચર્સને એમ કહી શકાશે નહિ કે તે કોઈ એક રાજ્ય કે શહેરની હોસ્પિટલને જ પોતાનો સપ્લાઈ મોકલે. શહેરની અંદર પણ ઓક્સિજન વાળી ગાડીની મુવમેન્ટ પર સમયનો કોઈ પ્રતિબંધ લાગુ રહેશે નહિ આમ હવે હોબાળો થતા સરકારે આ મુદ્દે હવે એક્શન લેવાનું શરૂ કર્યું છે.
