દેશમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો દ્વારા એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશનો પર બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.આસામના સિલચર એરપોર્ટ પર આ દરમિયાન બનેલી ચોંકાવનારી ઘટનામાં ફ્લાઈટમાંથી ઉતરેલા 300 મુસાફરો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ ભાગી ગયા હતા.કોરોના મહામારીની બીજી લહેરના ફેલાવા બાદ આસામ સરકારે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેમાં બહારથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ કરાવવાના હોય છે. સિલચર એરપોર્ટ જો કે નાનુ હોવાથી અહીં ઉતરતા મુસાફરોને નજીકની એક હોસ્પિટલમાં લઈ જઈને ટેસ્ટ કરાવાય છે. અધિકારીઓએ કહ્યું હતું કે, બુધવારે અહીંયા ઉતરેલા 300 મુસાફરો ટેસ્ટિંગ વગર જ ભાગી ગયા હતાં. જ્યારે બીજા 189 મુસાફરોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તંત્રનું કહેવું છે કે, કેવી રીતે લોકો ભાગી ગયા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમની ભાળ મેળવવા માટે દોડધામ કરી રહી છે.
