રાજ્યમાં બેકાબુ થયેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે કોરોના કાળમાં લગ્ન સમારંભ માટે પણ પોલીસની પરમિશન લેવી ફરજીયાત છે. ગત રોજ ગુજરાત DGP દ્વારા પણ આ અંગે આદેશ આપવામાં આવ્યો છે કે, હવે લગ્ન માટે પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેમજ રાજ્ય સરકારના આદેશ અનુસાર લગ્નમાં 50થી વધુ લોકો શામેલ હશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. આવી જ એક ઘટના આજે અમદાવાદમાં બની છે.જિલ્લા કલેકટર દ્વારા રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ પર નિયંત્રણ લાદયા છે અને તે અંગેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં લગ્ન પ્રસંગમાં 50 વ્યકિતઓની ઉપસ્થિતિમાં મંજૂરી મેળવીને પ્રસંગ ઉજવવાનું જણાવાયું હોવા છતાં ઘણાં વિસ્તારોમાં કેટલાક લોકો વધુ સંખ્યા એકઠી કરી વગર પરવાનગીએ કાર્યક્રમો યોજતા પોલીસે આવા કાર્યક્રમો પર બાજ નજર રાખી છે.કુબેરનગરથી વાજતે ગાજતે આવી રહેલા વરઘોડામાં વગર પરમિશને 50થી વધુ લોકો શામેલ હતાં. પોલીસે વરરાજાના પિતા તથા કાકા અને ડીજે સંચાલક સહિત પાંચ સામે ઇપીકો કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે કન્યા પક્ષ દ્વારા પણ લગ્ન અંગે પરમિશન લેવામાં આવી ન હોવાથી તેમની સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
