ગુજરાતમાં કોરોના કેર વર્તાયેલો છે. દિવસે ને દિવસે સંક્રમિત લોકોનો આંકડો વધી રહ્યો છે. જેના કારણે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યાં છે. લોકોની હાલાંકી વધી ગઇ છે. ત્યારે તંત્ર પણ લોકોની હાલાંકી દૂર કરવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગ રૂપે નારણપુરામાં આવેલ AMCના ડી.કે પટેલ હોલમાં AMC અને દેવસ્ય કીડની હોસ્પિટલના સંકલનથી કોવિડ હોસ્પિટલ આવતી કાલથી શરૂ કરાશે.હોસ્પિટલમાં ૧૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે જેમાં ૨૦ ટકા બેડ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન માટે ફાળવવાની શરતે આપવાના રહેશે. આ કોવિડ સેન્ટરમાં શરતોને આધીન ઓક્સિજન સપ્લાય અને સફાઇની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ બેદરકારી દાખવી છે. આવતી કાલથી જ્યારે હોસ્પિટલ શરૂ થવાની છે ત્યારે હજુ સુધી ઑક્સિજનની કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.હૉસ્પિટલના ચેરમેનનું કહેવું છે કે, ‘જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે નહીં તો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં નહીં આવે. જો આ કોવિડ સેન્ટર શરૂ નહીં થાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર માટે શરમજનક બાબત કહેવાય. AMCના જવાબદાર અધિકારીઓ માત્ર AC કેબિનમાં બેઠા બેઠા તમાશો જોઇ રહ્યાં હોય છે, કોઈ પણ પ્રકારનું કાર્ય પ્રજા હિતમાં કરતા નથી તેવું લાગી રહ્યું છે.
