દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. ધાર્મિક સંસ્થાનો એ પણ હવે કોરોના મહામારીમાં લડવા માટે તૈયારીઓ દર્શાવી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક ગુરુદ્વારાએ અનોખી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત ગુરુદ્વારા ઓક્સિજન લંગર સેવા આપી રહ્યું છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ ગુરુદ્વારાએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજનનો અભાવ જોતાં ઓક્સિજન લંગર સેવા શરૂ કરી છે.આ સંસ્થાના જણાવ્યા મુજબ, જે લોકોને ઓક્સિજનની જરૂર હોય, તેઓએ ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં પહોંચે. અને તેઓને ત્યાં જ ઓક્સિજન આપવામાં આવશે. જે લોકોને ઓક્સિજનની જરૂર હોય છે, તેઓ પોતે જ પોતાની કારમાં દર્દીને ત્યાં પહોંચી રહ્યા છે અને તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. સંસ્થાની ટીમ દ્વારા સિલિન્ડરોને રિફિલ કરવાની વ્યવસ્થા કરવામાં જોડાયા છે. ગુરુદ્વારાના મેનેજર ગુરપ્રીતસિંહ રમ્મીએ જણાવ્યું હતું કે, અમે રસ્તામાં જ કારમાં મોબાઈલ ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છીએ.ગુરુદ્વારા સંસ્થાએ પણ ગાઝિયાબાદ વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરી છે. ગુરપ્રીતસિંહે કહ્યું કે, હું ગાઝિયાબાદના ડીએમ અને વી.કે.સિંઘજીને અપીલ કરું છું કે અમને બેકઅપ માટે 20-25 ઓક્સિજન સિલિન્ડરો ઉપલબ્ધ કરાવો. 25 સિલિન્ડરોથી અમે 1000 લોકોના જીવ બચાવીશું. કોરોનાને લીધે સંક્રમિત લોકોને ઓક્સિજનની ઉણપ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જેના કારણે ઘણાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ઓક્સિજન પૂરો પાડવાની ગુરુદ્વારાની આ પહેલની દરેક પ્રશંસા કરી રહ્યા છે.
