કોરોના કાળની વિકટ સ્થિતીમાં રાજ્ય સરકારે વાહન ચાલકો માટે નવો નિર્ણય કર્યો છે. જેમાં કોરોના કાળમાં રાજ્ય સરકારે કોઇપણ વાહન ચાલકનું વાહન જપ્ત નહીં કરવાના આદેશ આપ્યા છે. વાહનમાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો 2 વ્હીલર માટે 500 અને મોટા વાહનો માટે 1000 દંડ લેવા સરકારે આદેશ કર્યો છે.
કોરોના કાળમાં જપ્ત કરાયેલા વાહનોમાં વાહનોને છોડાવવા લાંબો સમય લાગે છે. જે માટે આરટીઓ જવું પડતું હોય છે. જેથી આરટીઓમાં ભીડ વધતા કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેથી વાહનો જપ્ત ન કરીને ટુ વ્હિલર માટે પાંચસો રૂપિયા અને ફોર વ્હીલ માટે 1 હજારનો ઉચ્ચક દંડ લેવાનો આદેશ અપાયો છે.
હાલ રાજ્યમાં કોરોનાનો કાળો વર્તાઈ રહ્યો છે. એક બાજૂ જનતા પાસે હાલ કમાણીના કોઈ અવસરો દેખાતા નથી, સ્થિતી લોકડાઉન જેવી છે જેથી રોજગાર અને નોકરી પર ખતરો આવ્યો છે. ત્યારે આવા સમયે વાહનચાલકો પાસે અલગ અલગ ટ્રાફિક નિયમો હેઠળ મસમોટો દંડ અને ક્યાંક વાહનો જપ્ત કરવા સંબંધિત કિસ્સાઓ પણ બનતા રહેતા હોય છે. રસ્તાઓ પર ઉભેલા ટ્રાફિક પોલીસના કાફલાઓ જનતા માટે ઘણી વાર મુશ્કેલીઓ નોતરતા હોય છે. જો કે, હવે રાજ્ય સરકાર તરફથી વાહનચાલકોને હાલ પુરતી મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.