નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને યુપી સહિત દરેક રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના ઇન્ફેક્શન (કોવિડ 19) ના કેસો નોંધાયા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો મરી પણ રહ્યાં છે. દરમિયાન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) એ તાજેતરમાં જ એક અભ્યાસ અહેવાલ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓ, શાકાહારીઓ અને બ્લડ ગ્રુપ ‘ઓ’ ધરાવતા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના ઓછી છે.
સર્વોચ્ચ સંશોધન સંસ્થાના એક સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓમાં ઓછી સેરો-પોઝિટિવિટી જોવા મળી હતી, જ્યારે બ્લડ ગ્રુપ ‘O’થી કોરોના વાયરસ થવાની સંભાવના ઓછી છે.
‘બી’ અને ‘એબી’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે જોખમ
સીએસઆઈઆર દ્વારા તેની લગભગ 40 સંસ્થાઓમાં કરાયેલા સીએસઓ સર્વે અનુસાર ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓની સેરો પોઝિટિવિટી ઓછી હોવાનું જાણવા મળ્યું છે, જે દર્શાવે છે કે તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું હોઈ શકે છે. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ ‘ઓ’ ધરાવતા લોકોને ચેપ લાગવાની સંભાવના ઓછી હોય છે, જ્યારે ‘બી’ અને ‘એબી’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે જોખમ હોઈ શકે છે. તમને જણાવી દઇએ કે, રક્ત પરીક્ષણમાં પ્રતિરક્ષા માટેના સેરો-પોઝિટિવિટિનો અર્થ સકારાત્મક પરિણામો છે.
CSIR એ કોરોના વાયરસ પ્રત્યે એન્ટિબોડિની હાજરીનું વૈશ્વિક મૂલ્યાંકન કરવા માટે પોતાની પ્રયોગશાળાઓ અથવા તો સંસ્થાઓમાં કામ કરવા માટે 10,427 યુવાનો અને તેના પરિવારના સભ્યોના સ્વૈચ્છિક આધાર પર નમૂના લીધાં.
સીએસઆઈઆર-ઇન્સ્ટિટ્યુટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇંટીગ્રેટિવ બાયોલોજી (IGIB) દ્વારા સંચાલિત અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058 (10.14 ટકા) માં એસએઆરએસ-સીઓવી -2 વાયરસ પ્રતિ એન્ટિબોડી હતી. આઇજીઆઈબીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અધ્યયનના સહ-લેખક શાંતનુ સેનગુપ્તાએ કહ્યું કે નમૂનાઓમાંથી 346 સીરો પોઝિટિવ વ્યક્તિઓની ત્રણ મહીના બાદ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે, તેમાં એસએઆરએસ-સીઓવી -2 પ્રત્યે એન્ટિબોડી સ્તર સ્થિરતાથી લઇને વધારે હતું પરંતુ વાયરસને બેઅસર કરવા માટે પ્લાઝમા ગતિવિધામાં ઘટાડો જોવા મળ્યો.
કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે
તેઓએ જણાવ્યું કે, ’35 વ્યક્તિઓનું છ મહીનામાં બીજી વાર નમૂના લેવા પર એન્ટિબોડીના સ્તરમાં ત્રણ મહીનાની તુલનામાં ઘટાડો આવ્યો જ્યારે બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર સ્થિર જોવા મળ્યું. જો કે, સામાન્ય એન્ટિબોડીની સાથે જ બેઅસર કરનાર એન્ટિબોડીનું સ્તર જરૂરિયાતથી વધારે હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે, અમારું નિષ્કર્ષ છે કે, ધૂમ્રપાન કરનારાઓ સીરો પોઝિટિવ થવાની સંભાવના ઓછી છે, સામાન્ય વસ્તીનો આ પ્રથમ રિપોર્ટ છે અને તેનો પુરાવો છે કે, કોવિડ 19ની શ્વસન સંબંઘી બીમારી હોવા છતાં ધૂમ્રપાન બચાવકારક હોઇ શકે છે.