ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની ગઇ છે અને દેશભરમાં મેડિકલ ઓક્સિજનની અછત સર્જાય છે અને દર્દીઓ ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે. આવા કપરા કાળમાં પણ કેટલાંક લેભાગુ અને લાલચી લોકો ભોળા લોકોને લૂંટવાની તક શોધી રહ્યા છે. પોતાના સ્વજનો માટે ઓક્સિજન સીલીન્ડર, ઇન્જેક્શન અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરવા મમાટે લોકો સોશિયલ મીડિયા પર મદદ માટે પોકાર લગાવી રહ્યા છે. તો સાથે સાથે મુસીબતમાં ફસાયેલ લોકોને મદદ કરવા માટે પણ અનેક સંસ્થાઓ અને અનેક લોકો સામે પણ આવી રહ્યા છે. આ રીતે સોશિયલ મીડિયા લોકોની મદદ કરવા માટે વાસ્તવમાં અસરકારક માધ્યમ સાબિત થઇ રહ્યું છે. જોકે, કેટલાંક લોકો એવા પણ છે જે આ આફતના સમયમાં પણ લોકો સાથે છેતરપીંડી કરવાનું છોડતા નથી.
જો તમે પણ તમારા સ્વજનો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી મેડીકલ રીસોર્સીસ શોધવાના પ્રયાસો કરી રહ્યા છો તો જરા સાવધાની રાખો. કારણ કે ઓક્સીજન સીલીન્ડર અને ઓક્સિજન કોનસ્નટ્રેટર સાથે સંકળાયેલ એક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. એક પત્રકારે આ અંગે એક ટ્વીટ કર્યું છે.
વાસ્તવમાં MrRajpal Oxygendelivery નામનું એક ફેસબુક પેજ છે. આ પેજ પર લખવામાં આવ્યું છે કે ઓક્સીજન કોનસ્નટ્રેટર એજન્સી છે અને સમગ્ર ભારતમાં ડીલીવરી પહોંચાડે છે, સાથે જ એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે અને સાથે જ આ એક સરકારી એજન્સી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અ પેજ પર સ્ટોક ફૂલ હોવાની જાણકારી પણ આપવામાં આવી છે.
પત્રકારે કેટલાંક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેમાં તેમણે જણાવ્યું છે કે જયારે ફેસબુક પેજ વાળા આ વ્યક્તિનો ઓક્સિજન સીલીન્ડર લેવા માટે કોન્ટેક્ટ કરવામાં આવ્યો તો તેમણે તમામ વિગતો લીધા બાદ પહેલા પૈસા આપવાની વાત કરે છે અને ત્યારબાદ જ ડીલીવરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુ જાણકારી માટે, તેમણે આપેલ નંબર પર સંપર્ક કરી દિલ્હીમાં એક જગ્યાએ ઓક્સીજન આપવા માટે જણાવાયું. આ નંબર પર કોલ કરતા સામેથી જણાવવામાં આવ્યું કે તેઓ સમગ્ર ભારતમાં ઓક્સિજનની સપ્લાય કરે છે અને કહે છે કે પૈસા અકાઉન્ટમાં નાખી દો બાદમાં આપેલ એડ્રેસ પરથી સીલીન્ડરની ડીલીવરી આપી દેવામાં આવશે.
કોલ પરની વ્યક્તિએ એ પણ કહ્યું કે એક લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પરંતુ, પહેલા લીંક માંગવા પર ના પડી દેવામાં આવી અને સરકારી એજન્સીનું નામ પૂછ્યું તો તે બતાવવાની પણ ના પાડી દેવામાં આવી અને માત્ર પૈસા આપવાની વાત કરતા રહ્યા. એમ પણ કહેવામાં આવ્યું કે ડીલીવરી વાળી જગ્યા પરથી જ પૈસા લેવાની વાત પર પણ તેઓ રાજી ન થયા.
તો સાથે જ ફેસબુક પેજ પર બતાવવામાં આવેલ એજન્સીનો ગુગલ પર પણ ક્યાય ઉલ્લેખ ન જોવા મળ્યો અને ન તો ફેસબુક પેજ પર કોઈ એડ્રેસ બતાવવામાં આવ્યો હતો. પેજ પણ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું. આ બધું જોતા સ્પષ્ટ છે કે આ છેતરપીંડી કરવાનો એક નવો પેંતરો છે અને ઓક્સિજન આપવાની વાત સંપૂર્ણપણે ખોટી છે. એવામાં લોકોએ સોશિયલ મીડિયા પર જરૂરી વસ્તુઓને શોધતા સાવધાન રહેવાની જરૂરિયાત છે. નહિતર લોકો ઠગાઈનો શિકાર બની શકે છે.