દેશમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો ઝડપથી પ્રસરવા સાથે ઘાતક પૂરવાર થતા લોકોમાં સાવચેતીના પ્રમાણમાં પણ વધારો થવા માંડયો છે. સાવચેતીના પગલાના ભાગરૂપે જ દેશમાં દિલ્હી, મુંબઇ સહિતના મેટ્રો સીટી સહિત મોટા શહેરોમાં વસતા હાઈ નેટવર્થ ઇન્ડિવિડયુઅલ્સ (એચએનઆઈ) લોકો હવે શહેરોની ભીડભાડ છોડીને નજીકના વિસ્તારો આવેલા ફાર્મહાઉસો તરફ વળ્યા છે. જેના કારણે છેલ્લા એકાદ બે માસમાં ફાર્મહાઉસની માંગમાં મોટાપાયે વધારો થયો છે.
દેશના મોટા શહેરોમાં કોરોનાના પ્રથમ તબક્કામાં તેમજ બીજા તબક્કામાં કેસોમાં નોંધપાત્ર વધારો થતા મોટા શહેરોના પોશ વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યામાં મોટાપાયે વધારો જોવા મળ્યો હતો. જેના કારણે આવા વિસ્તારોમાં રહેતા અમીર લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
માર્ચ માસથી શરૂ થયેલ કોરોનાનો બીજો તબક્કો ઝડપથી પ્રસરતા મોટા શહેરોમાં વસતા એચએનઆઈ લોકોની મુશ્કેલીઓમાં પુનઃ વધારો થતા સમાજનો આ વર્ગ હવે ફાર્મહાઉસ તરફ વળ્યો છે. મુંબઇની વાત કરીએ તો મુંબઇનો એચએનઆઈ વર્ગ મુંબઇથી નજીક લોનાવાલા, ખંડાલા, અલીબાગ અને કરજત તરફ વળ્યો છે. આ તમામ સ્થળોએ ચોખ્ખા, હવા-પાણી, ગ્રીનરીનું પ્રમાણ વધુ હોય છે અને ભીડભાડ ઓછી હોય છે. તેથી સંક્રમણનો ડર પણ ઓછો રહે છે.
આ ઉપરાંત અહીંના ફાર્મહાઉસ ડેવલપરો દ્વારા જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરી આપતા હોવાના કારણે અહીં રહેનારાઓને બહાર જવું પડતું નથી. કેટલાક સ્થળોએ તો જમવાની પણ વ્યવસ્થા હોય છે. એચએનઆઈ વર્ગ ઘરે બેઠા જ ઓફિસ વર્ક સરળતાથી કરી શકે છે. તેથી તેઓને દરરોજ ઓફિસ જવાની પણ જરૂર પડતી નથી.
રીયલ એસ્ટેટ ડેવલપર્સોના જણાવ્યા મુજબ મહામારીના પ્રથમ તબક્કા દરમિયાન ફાર્મહાઉસની ઇન્કવાયરીમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ બીજા તબક્કા દરમિયાન ઇન્કવાયરીની સાથોસાથ વેચાણમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ જોવા મળી છે. પ્રર્વતમાન સ્થિતિ જોતા આગામી સમયમાં ફાર્મ હાઉસનો ટ્રેન્ડ વધુ લોકપ્રિય થવાની ગણતરી મુકાઈ રહી છે.
ફાર્મ હાઉસની કિંમત એરીયા, તેનો કુલ વિસ્તાર તેમજ વિવિધ એમેનીટીઝ આધારીત હોય છે. ફાર્મ હાઉસની સાથોસાથ વિલા કોન્સેપ્ટ પણ પ્રચલીત બન્યો છે. આ પ્રકારની પ્રોપર્ટીની કિંમત રૂ. ૨૦ કરોડથી વધુ હોય છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મોટા શહેરોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી ફાર્મ હાઉસ વીલાનો કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે. પરંતુ, અત્યાર સુધી આ પ્રકારની પ્રોપર્ટી ખરીદવામાં લોકોને રસ ઓછો હતો. પરંતુ, મહામારી બાદ એચએનઆઈ વર્ગ હવે આ પ્રકારની પ્રોપર્ટી તરફ વળ્યો છે. જેના પગલે તેની માંગમાં વધારો થયો છે.