ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની ગઇ છે અને વધુમાં વધુ લોકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારે આગામી 1લી મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ નાગરિકોને કોરોના વેકસીન મૂકવાનો નિર્ણય લીધો છે. હાલ દેશમાં ઓક્સિજનની સાથે સાથે વેક્સીનની પણ અછત સર્જાઇ છે. વેક્સિનેશનનો આ ત્રીજો તબક્કો શરૃ થાય તે પહેલા જ વેક્સિનના ભાવ રાજકારણ ગરમાઇ ગયું છે. કોંગ્રેસે સરકારની વેક્સિન નીતિ સામે અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે સરકાર ગરીબો અને યુવાનોને મફતમાં વેક્સિન આપવાની પોતાની જવાબદારીથી દૂર ભાગી રહી છે. સૂરજેવાલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે સરકારે ભારતની વેક્સિન નિર્માતા કંપનીઓને ૧.૧૧ લાખ કરોડ રૃપિયાનો નફો કમાવવાની પરવાનગી આપી દીધી છે.
વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સૂરજેવાલાએ પ્રશ્ર કર્યો છે કે મહામારીના સમયમાં વેક્સિન નિર્માતા કંપનીઓને આટલી મોટી રકમનો નફો કમાવવાની મંજૂરી શા માટે આપવામાં આવી? વડાપ્રધાને આ પ્રશ્રનો જવાબ આપવો જ પડશે.
ઉલ્લેખનીય છે કે સિરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા પોતાની કોવિશિલ્ડ વેક્સીન રાજ્યોને ૪૦૦ રૃપિયામાં અને ખાનગી હોસ્પિટલોને ૬૦૦ રૃપિયામાં આપશે. જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રાજ્યોને ૬૦૦ રૃપિયામાં અને ખાનગી હોસ્પિટલોને ૧૨૦૦ રૃપિયામાં આપવામાં આવશે.
સૂરજેવાલાએ દાવો કર્યો છે કે આ ભાવને ધ્યાનમાં લેવામાં આવતો સિરમ ઇન્સ્ટીટયૂટને ૩૫,૩૫૦ કરોડ રૃપિયા અને ભારત બાયોટેકને ૭૫,૭૫૦ કરોડ રૃપિયાનો નફો થશે. આમ બંને કંપનીઓને કુલ ૧.૧૧ લાખ કરોડ રૃપિયાનો નફો થશે.