પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું. જે સાંજે 6.30 વાગ્યે સમાપ્ત થયું. આ તબક્કા દરમિયાન પશ્ચિમ બર્ધમાન, દક્ષિણ દિનાજપુર, મુર્શિદાબાદ, માલદા અને દક્ષિણ કોલકાતાના ભાગોમાં 34 બેઠકો પર મતદાન થયું હતું. સાંજે 5.30 વાગ્યા સુધીમાં 75.06% નું મતદાન નોંધાયું હતું.
એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા મતદાનમાં અપવાદ રૂપે આસનસોલ વિસ્તારમાં ઝઘડાની કેટલીક ઘટનાઓ નોંધાઈ હતી, જ્યાં ટીએમસીના ઉમેદવાર સયોની ઘોષે દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકરોએ તેમના મત વિસ્તારના બૂથ જામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલે આ આરોપને પાયાવિહોણા ગણાવતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઘોષ પોતાની હાર ભાળી જતાં બહાનાબાજી કરી રહ્યા છે. જામુરિયા મતક્ષેત્રમાં ડાબેરી મોરચાના ઉમેદવાર આઈશે ઘોષે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી કાર્યકરો દ્વારા તેમના પક્ષના એજન્ટોને બૂથમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે, પણ આ આરોપ શાસક પક્ષ દ્વારા નકારવામાં આવ્યો હતો. કોલકાતાના નવા અલીપોર વિસ્તારમાં મતદાન મથકની અંદર કેટલીક મહિલા મતદારોની છેડતી કરવાના આરોપમાં રશ્બેહરી વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર લેફ્ટનન્ટ જનરલ સુબ્રત સાહના એજન્ટની સોમવારે અટકાયત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. જોકે રાવે આક્ષેપોને રદિયો આપતાં જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી.
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતામાં પોતાનો મત આપ્યા પછી દાવો કર્યો હતો કવ મમતા બેનર્જી ફરીથી 2/3 ની જંગી બહુમતીથી ફરીથી સરકાર બનાવશે.