કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસ, શોપિંગ મોલ, શો- રૂમમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. જેને લઈ દરરોજ AMC દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. આજે સોમવારે કોર્પોરેશનની ટેક્સ વિભાગની ટીમે શહેરમાં તપાસ કરતા નિકોલ વિસ્તારમાં આવેલા સેલ્સ ઇન્ડિયા શો-રૂમ, એસજી હાઇવે પર ટોર્ક કોમર્શિયલ વહિકલ પ્રાઇવેટ લિમિટેડ, થલતેજ અરોવા વેબ ટેક અને MI આર્કિટેક્ટ એન્ડ એસોસિએશનને 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સીલ કરી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 389 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણિ હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી રાખવાનો અથવા કર્મચારીઓ ઓલ્ટરનેટ દિવસે ફરજ પર આવે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિપત્રનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે.
