નવી દિલ્હીઃ ભારતમાં દિનપ્રતિદિન રેકોર્ડ બ્રેક કોરોના સંક્રમણના નવા કેસો નોંધાઇ રહ્યા છે અને પરિસ્થિતિ હજી ભયંકર બનવાની ચેતવણી કરવામાં આવી છે. આ દરમિયાન વધુ એક સ્ફોટક આગાહી થઇ છે. આઈઆઈટી કાનપુર અને હૈદરાબાદના નિષ્ણાતોએ અહેવાલ રજૂ કર્યો હતો એ પ્રમાણે મેના બીજા સપ્તાહમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૮થી ૪૮ લાખ સુધી થઈ જશે. એક દિવસમાં ૪.૪ લાખ કેસ નોંધાવા લાગશે.
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર અને હૈદરાબાદના સંશોધકોએ ગાણિતિક મોડેલના આધારે દાવો કર્યો હતો કે ૧૧થી ૧૫-મે દરમિયાન દેશમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા સૌથી વધુ હશે. એ વખતે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૮ લાખથી ૪૮ લાખ સુધી હોઈ શકે છે.
તે પહેલાં ૪મેથી ૮ મે દરમિયાન સૌથી વધુ કેસ નોંધાવવાનું શરૂ થશે. આ દિવસો દરમિયાન દરરોજના ૪ લાખથી ૪.૪ લાખ કેસ નોંધાશે. નિષ્ણાતોના મતે ભારતમાં કોરોનાના બીજા વેવ દરમિયાન નોંધાતા આ હાઈએસ્ટ કેસ હશે અને હાઈએસ્ટ એક્ટિવ કેસ હશે.
જોકે, રાહતની વાત એ હશે કે આ સમયગાળા પછી કેસમાં ઘટાડો થશે. એક્ટિવ કેસ પણ તે પછી ઘટી જશે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે કહ્યું હતું કે આ આંકડો વધુમાં વધુ અને ઓછામાં ઓછાના આધારે છે. એટલે કે ઓછામાં ઓછા ૩૮ લાખ એક્ટિવ કેસ હશે અને એ આંકડો વધે તો વધુમાં વધુ ૪૮ લાખ કેસ હોઈ શકે છે.
એક કોરોના સંક્રમિત વ્યક્તિ મહિનામાં 406ને ચેપ લગાડી શકે છે : ગુલેરિયા
દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, એવામાં નિષ્ણાંતોની સલાહ છે કે હવે સમય આવી ગયો છે કે લોકોએ ઘરોમાં પણ માસ્ક પહેરવા જોઇએ. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે સોમવારે કહ્યું કે લોકોએ હવે ઘરોમાં પણ માસ્ક પહેરીને રહેવુ જોઇએ.
જ્યારે ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોનાના પ્રાથમિક લક્ષણો જોવા મળે તો તુરંત જ ખુદને આઇસોલેટ કરી દેવુ જોઇએ. લક્ષણો જણાય પછી રિપોર્ટ કરાવી લેવો જોઇએ અને રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર જ ખુદને આઇસોલેટ કરી દેવા જોઇએ. લક્ષણો જણાતા જ ખુદને સંક્રમિત માની લેવા જોઇએ. સાથે તેમણે એવી પણ સલાહ આપી કે બે માસ્ક પહેરવા જોઇએ અને સોશિયલ ડસ્ટંસનું પાલન કરવું જોઇએ. જો તેમ ન કરાય તો કોરોના થવાની શક્યતા ૯૦ ટકા વધી જાય છે. તેમણે વધુમાં કહ્યું કે એક સંક્રમિત વ્યક્તિ ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને સંક્રમિત કરી શકે છે. એવામાં કોરોના સંલગ્ન ગાઇડલાઇનનું પાલન કરવામાં નહીં આવે તો કોરોના ફેલાવાની શક્યતાઓ વધી જાય છે.