નવી દિલ્હીઃ ભારતમાં આજથી 18 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસીકરણ માટેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. 1લી મેથી નવા નિયમ સાથે 18 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવામાં આવશે. હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. કોવિન એપ અને આરોગ્ય સેતુ દ્વારા કોઈ પણ વ્યક્તિ પરિવારના ચાર સભ્યોનું કોરોના રસીકરણ કરાવી શકે છે. હકીકતમાં આ પ્લેટફોર્મ લોકોને નજીક (સરકારી અને ખાનગી) કોવિડ વેક્સિન સેન્ટરે જવાની મંજૂરી આપે છે. તેના દ્વારા રસીકરણ સ્લોટ બુક કરી શકાય છે. નાગરિકો પાસે વેક્સિનેશન સ્લોટ બદલવા અને તેને કેન્સલ કરવાનો પણ વિકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે, 1 મેથી, સરકાર પાસેથી વર્તમાન સિસ્ટમ અંતર્ગત રસી ખરીદતા ખાનગી કોરોના રસીકરણ કેન્દ્રો હવે નિર્માતાઓ પાસેથી સીધી રસી ખરીદી શકશે. રસી ઉત્પાદકોએ 1 મે સુધીમાં રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50 ટકા પુરવઠો પૂરો પાડવો પડશે. કોવિશિલ્ડ બનાવતી સીરમ સંસ્થાએ રાજ્યો માટે 400 અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયાની કિંમત નક્કી કરી છે.
રસી લગાવવા માટે ઇચ્છુક 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે 28 એપ્રિલ એટલે કે આજથી કોવિન પોર્ટલ પર આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ ગઇ છે. રસીકરણ પ્રક્રિયા અને રસી લગાવડાવા માટે એ જ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. અત્યારે ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સરકાર પાસેથી રસીના ડોઝ લઇ 250 રૂપિયા પ્રતિ ડોઝનાં હિસાબથી લોકોને ડોઝ આપી રહ્યા છે. પહેલી મેથી આ વ્યવસ્થા પૂર્ણ થઇ જશે અને પ્રાઇવેટ હૉસ્પિટલોએ રસી નિર્માતાઓ પાસેથી ડાયરેક્ટ ડોઝ ખરીદવાના રહેશે.
1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય
અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં અચાનક થયેલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ રસી લગાવવાનું શરૂ કર્યા પછી રસીની માંગમાં વધારો થવાની ધારણા છે. ભીડને કાબૂમાં રાખવાના હેતુથી, 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન એપ પર નોંધણી કરાવવી અને રસીકરણ માટે સમય લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. શરૂઆતમાં રસીકરણ કેન્દ્રો પર નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જેથી કોઈ પણ પ્રકારની અફરાતફડી ન થાય.
કેન્દ્ર દ્વારા રસીકરણ નીતિને ઉદાર બનાવવામાં આવી
ઉદારીકૃત મૂલ્ય નિર્ધારણ અને ત્વરિત રાષ્ટ્રીય કોરોના રસીકરણ વ્યૂહરચના હેઠળ, 45 વર્ષથી વધુ વયના લોકો, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સનું નિશુલ્ક રસીકરણ ચાલુ રહેશે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા રસીકરણ નીતિને ઉદાર બનાવવામાં આવી છે, તેથી તેનો અર્થ એ નથી કે રસી ખુલ્લા બજારમાં દવાની દુકાનો પર ઉપલબ્ધ થશે. ખાનગી હોસ્પિટલો દ્વારા રસીકરણ માટે લેવામાં આવતી ફી પર નજર રાખવામાં આવશે.
રસીકરણ પાછળ આવશે આટલો ખર્ચ
18 વર્ષથી ઉપરની તમામ વ્યકિતઓને કોવિડ-19 માટેની રસી આપવાનો કુલ ખર્ચ ભારતના કુલ વાર્ષિક જીડીપીના ૦.૩૬ ટકા થશે તેમ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચે જણાવ્યું છે. આ રસીકરણ પાછળનો કુલ ખર્ચ 67,193 કરોડ રૃપિયા થશે. જેમાંથી 46,323 કરોડ રૃપિયાનો ખર્ચ રાજ્યો દ્વારા કરવામાં આવશે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચનો આ અહેવાલ એવા સમયે પ્રગટ કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વેક્સિનના ભાવ મુદ્દે મતભેદ પ્રવર્તી રહ્યાં છે.