નવી દિલ્હીઃ ભારતમાં એક જ દિવસમાં કોરોનાના નવા રેકોર્ડ બ્રેક ૩.૬૦ લાખ કેસો સામે આવ્યા છે. જેને પગલે હવે કુલ કેસોનો આંકડો ૧.૮૦ કરોડ નજીક પહોંચી ગયો છે. જ્યારે વધુ ૩૨૯૩ લોકોના મોત સાથે મૃત્યુઆંક બે લાખને પાર પહોંચી ગયો હતો. બીજી તરફ દેશમાં હવે એક્ટિવ કેસો પણ ૩૦ લાખે પહોંચી ગયા છે જે કુલ કેસોના ૧૬.૫૫ ટકા જેટલા છે. બીજી તરફ રીકવરી દર ફરી ઘટીને ૮૨.૩૩ ટકાએ પહોંચી ગયો છે.
મૃત્યુઆંક બે લાખને પાર
મૃત્યુઆંક પણ પહેલી વખત બે લાખને પાર કરીને ૨,૦૧૧૮૭એ પહોંચી ગયો હતો. હાલ જે પણ લોકો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મોતને ભેટયા છે તેમાં ૭૮ ટકા લોકો માત્ર ૧૦ રાજ્યોના છે અને તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી વગેરે ટોચના સ્થાને છે.
મોડા મોડા જાગેલી કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે પીએમ કેર ફંડમાંથી સરકાર એક લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની ખરીદી કરશે. જ્યારે વધુ પ્રેશર સ્વિંગ ઓક્સિજન પ્લાન્ટની પણ ખરીદી કરવામાં આવશે.
હાલ રાજ્યો પાસે રસીના એક કરોડથી વધુ ડોઝ છે : કેન્દ્ર
પહેલી મેથી ૧૮ વર્ષથી ઉપરની વયના બધા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવા જઇ રહ્યું છે. જેની નોંધણી ૨૮મી તારીખથી ઓનલાઇન શરૂ થઇ ગઇ હતી. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હાલ કોરોનાની રસીના એક કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.
જ્યારે કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં વધુ ૫૭ લાખ ડોઝ પુરા પાડવામાં આવશે. જોકે ૧૮ વર્ષથી વધુ વયનાની વસતી પ્રમાણે હજુ પણ આ ડોઝની સંખ્યા ઘણી ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો હોવાથી ત્યાં રસીના ડોઝ પણ વધુ પહોંચાડાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ ડોઝ અપાયા છે. જ્યારે આગામી ત્રણ ચાર દિવસમાં વધુ પાંચ લાખ ડોઝ પુરા પાડવામાં આવશે.