મુંબઇઃ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી (HDFC Bank) ટૂંક સમયમાં જ જૂના ક્રેડિટ કાર્ડમાં ફેરફાર કરવાની છે. બેંક મુજબ તે જૂના ક્રેડિટ કાર્ડ વ્યવસ્થાને લેટેસ્ટ ટેક્નોલોજીમાં બદલવાની તૈયારીમાં છે. તેના માટે કાર્ડ પ્લેટફોર્મને એક વિશ્વસનીય ફિનટેક કંપનીમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યું છે. તેથી જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો, તો આ ફેરફાર માટે તૈયાર થઇ જાઓ.
અહેવાલ મુજબ એચડીએફસી બેંક કાર્ડ એન્ડ-ટૂ-એન્ડ પ્રોસેસિંગ અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તેના કાર્ડ પ્લેટફોર્મને ફિનટેક કંપનીમાં ટ્રાન્સફર કરી શકે છે. ફિનટેકને ઓનલાઇન બેંકિંગ અને ક્રેડિટ કાર્ડ જારી કરવા માટે એક સારો વિકલ્પ માનવામાં આવે છે. તેના કારણે બેંકે તેને આ જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે.
કોરોના મહામારી દરમિયાન ડિજીટલ લેવડ-દેવડમાં વૃદ્ધિ થઈ છે. આ વચ્ચે ક્રેડિટ કાર્ડનું ચલણ ખૂબ વધ્યું છે. તેથી તેનું સંચાલનને વધુ સુરક્ષિત અને આરામદાયદક બનાવવા અને તેને ડિજીટલ પ્લેટફોર્મ પર લઇ જવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આ જ કારણ છે કે એચડીએફસી બેંકે જૂના કાર્ડમાં ફેરફારનો નિર્ણય કર્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર મહિનામાં એચડીએફસી બેંકની તમામ ડિજીટલ લોન્ચિંગ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો આરબીઆઈએ આ રોક એચડીએફસી બેંકની ડિજીટલ કામકાજમાં પરેશાનીના કારણે લગાવી હતી. તેમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જોકે આ આદેશ હંગામી હતો.