ભારત માં કોરોના બીજી લહેર ઘાતક પૂરવાર બની રહી છે અને અનેક લોકો ના મોત ને ભેટી રહ્યા છે,ભારત માં સ્થિતિ એવી છે કે જન સંખ્યા સામે હોસ્પિટલોમાં બેડ નથી , ઓક્સિજન નથી, દવાઓ અને તબીબો તેમજ ઇક્વિપમેન્ટસ નથી પરિણામે સંખ્યાબંધ લોકો ના મોત થઈ રહ્યા છે, સ્મશાનોમાં ચિતાની આગ શાંત નથી આ સમાચારો હાલ વિશ્વ ભર ના મીડિયા માં મુખ્ય હેડલાઈન બની રહયા છે એવામાં ભારતને મદદ માટે તેનું વર્ષો જૂનું મિત્ર રાષ્ટ્ર રશિયા આગળ આવ્યું છે અને વાતો કરવાના બદલે તરત જ મદદ રવાના કરી છે.
રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે. પીએમ મોદીએ આ અંગે રશિયલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ કોરાનાવાયરસ વિરુદ્ધની રસી સ્પુતનિક Vના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો.
અત્રે નોંધનીય છે કે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ભારતીય કંપનીઓ સાથે સ્પુતનિક V રસીના 850 મિલિયન (85 કરોડ) ડોઝનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે, જે અંગે બંને નેતાઓએ ટેલિફોનિક સંવાદ દરમિયાન સંતોષ વ્યક્ત કર્યો હતો. ખુદ સ્પુતનિક V બનાવતી કંપની ગેમેલેયા ઈન્સ્ટિટ્યૂટે આ અંગે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી અને સતત બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને ભારતના લોકો અને સરકારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે રશિયા આ સંબંધમાં શક્ય તમામ સાથસહકાર આપશે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો તથા જણાવ્યું હતું કે રશિયાનો ત્વરિત ટેકો બંને દેશો વચ્ચેની કાયમી મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવા બંને દેશો વચ્ચે વર્તમાન સાથસહકારની નોંધ લીધી હતી. ભારતમાં સ્પુતનિક-વી રસીનો કટોકટીમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવાનાં પગલાંની રાષ્ટ્રપતિ પુતિને પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ સંમતિ આપી હતી કે રશિયાની રસીનું ઉત્પાદન ભારતમાં થશે, જેનો ઉપયોગ ભારત, રશિયા અને અન્ય દેશો માં પણ થઈ શકશે.
આમ ભારત માં કોરોના એ આતંક મચાવતા રશિયા ખરા સમયે પડખે ઉભું રહેતા જનતા ને લાભ મળી શકશે.