મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતમાં સ્માર્ટફોન્સનું વેચાણ વિક્રમી સપાટીએ રહ્યું હતું પરંતુ કોવિડ-૧૯ના કેસોમાં ફરી વધારો થતાં વેચાણ પર અસર પડવાની સંભાવના રહેલી છે. વિશ્વમાં ભારત સ્માર્ટફોન્સની બીજી મોટી માર્કેટ છે. ગયા વર્ષે કોરોનાને કારણે બાકી પડેલી માગ વર્તમાન વર્ષના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં જોવા મળી હતી એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
માર્ચ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન્સની આયાતમાં વાર્ષિક ધોરણે ૨૩ ટકા વધારો થઈને ૩.૮૦ કરોડ ફોન્સ રહી હતી જે કોઈ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અત્યારસુધીનું શ્રેષ્ઠ વેચાણ છે.
કોરોનાને કારણે ભારતે ૨૦૨૦માં લોકડાઉન સહિતના વિવિધ પગલાં લેવાની ફરજ પડી હતી. જો કે ડિસેમ્બરથી ફેબુ્રઆરીના ગાળામાં સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. ચીન સાથેના સરહદી વિવાદ છતાં ભારતીયો ચીનના સ્માર્ટફોન્સ વાપરવામાં હજુ પાછીપાની કરતા નહીં હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
ભારતની સ્માર્ટફોન્સની બજારમાં ચીનની બ્રાન્ડસનો હિસ્સો ૭૫ ટકા જેટલો રહેતો હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમના ભાગરૂપ ભારત સરકારે દેશમાં સ્માર્ટફોન્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ તેના ધાર્યા પરિણામ જોવા મળતા નહીં હોવાનું પણ જણાય રહ્યું છે.અત્રે ઉલ્લેખનિય છે કે સરહદી વિવાદ બાદ દેશમાં ચીની માલો સામે ભારે વિરોધ ઉઠયો હતો પરંતુ સ્માર્ટફોન્સ સહિતના ઈલેકટ્રોનિક સાધનો માટે ભારતે હજુપણ ચીન પર આધાર રાખવો પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
ચીનમાં સસ્તા લેબર તથા કાચા માલની નીચી કિંમતોને કારણે તેના ઈલેકટ્રોનિકસ માલસામાન વિશ્વમાં સ્પર્ધાત્મક બની રહ્યા છે.