ગાંધીનગરઃ દેશમાં કોરોના કાળો કેર વરતાવી રહ્યો છે. જો કે, એ સારી બાબત છે કે બિઝનેસ વર્લ્ડના દિગ્ગજો આ ઘડીમાં, પોતાના તરફથી સરકારને તમામ શક્ય મદદ કરી રહ્યા છે. ગૂગલના સુંદર પિચાઈ હોય કે માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, દરેક જણ ભારત સરકારને પોતાની રીતે મદદ કરી રહ્યા છે. તે જ સમયે, જો આપણે દેશના મોટા ઉદ્યોગપતિઓની વાત કરીએ તો રતન ટાટા અને મુકેશ અંબાણી પણ આમાં પાછળ નથી. પહેલા મુકેશ અંબાણીએ ઓક્સિજનની સમસ્યા દૂર કરવા પહેલ કરી હતી અને હવે રિલાયન્સ ફાઉન્ડેશન 1000 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી રહ્યું છે.
રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, તે ગુજરાતના જામનગરમાં ઓક્સિજન સપ્લાય સાથે 1000 બેડની કોવિડ -19 હોસ્પિટલ બનાવી રહ્યુ છે. વિશેષ બાબત એ છે કે આ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવારની સુવિધા મળશે.
રિલાયન્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં એક સપ્તાહની અંદર 400 બેડના કોવિડ કેર સેન્ટર સ્થાપવામાં આવશે. તે પછી, જામનગરમાં જ બીજા એક કેન્દ્રમાં આવતા બે અઠવાડિયામાં 600 પથારીનું કેન્દ્ર બનાવવામાં આવશે.