રાજ્ય માં કોરોના બેકાબુ થઈ ગયો છે અને તેમાંય સૌથી વધુ પ્રભાવિત અમદાવાદમાં દર્દીઓની સ્થિતિ વધારે કફોડી બની છે. અહીં સ્ટાફ ખૂટી પડયો છે,બેડ નથી લોકો દર્દીઓ સાથે એમ્બ્યુલન્સ માં જ સારવાર લેવા મજબૂર છે ત્યારે DRDO દ્વારા શહેરમાં 900 બેડની હોસ્પિટલ માટે 140 જગ્યાઓ પર હંગામી ભરતી તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી આપવા આદેશ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
આજે હોસ્પિટલમાં 3 થી 6 માસના કરાર આધારિત હંગામી ધોરણે ફિક્સ વેતનથી વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓને કોવિડમાં ડ્યુટી સોંપવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં સીધી ભરતી હાથ ધરાશે.
કોરોના ના દર્દીઓ ની સારવાર માટે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં બપોરે 1 વાગ્યાથી ઈન્ટરવ્યૂ થશે. જેમાં 5 ફિઝીસિયન,10 એનેથેસિયા,20 મેડિકલ ઓફિસર,55 સ્ટાફ નર્સ,50 મેડિકલ ઓફિસર એમ કુલ 140 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.તમામ ભરતી કરાર આધારિત રહેશે જેમને ફિક્સ વેતન જ આપવામાં આવશે.કોઈ પણ વધારાના ભથ્થા કે ચાર્જ ચૂકવવામાં આવશે નહિ તેવી ચોખવટ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી સંલગ્ન તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વ નિર્ભર કોલેજના આચાર્યોને પત્ર લખીને ત્રીજા અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડમાં ડ્યુટી આપવા વિદ્યાર્થીઓને વિગત મોકલવા જણાવ્યું છે. ઉપરાંત દરેક કોલેજે એક ફેકલ્ટીને નોડલ ઓફિસર તરીકે પણ નામ અને વિગત મોકલવા જણાવ્યું છે.
અમદાવાદમાં હાલ કોરોના ની મહામારી વકરતા ભારે મુશ્કેલીઓ ઉભી થઇ છે ત્યારે તાત્કાલિક ભરતી કરી સ્ટાફ અને બેડ ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
