ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે એપ્રિલ મહિનામાં કોરોના બેકાબૂ બન્યો હતો ત્યારે સરકાર એવું કહેતી હતી કે ટેસ્ટિંગ વધાર્યા છે એટલે વધુ કેસ આવે છે. પરંતુ ગુજરાતમાં બેડની ઘટ, ઓક્સિજનનો અભાવ, નવી 900 બેડની હોસ્પિટલ 4 દિવસમાં ફૂલ, એમ્બ્યુલન્સનીલાઈનો, સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટેનું પણ વેઇટીંગ લોકોને નજરે દેખાય છે. સરકાર હવે તો લોકોને છેતરવાનું બંધ કરો. એપ્રિલ મહિનામાં દૈનિક 15 હજાર નજીક કોરોનાથી લોકો સંક્રમિત થતા હતા અચાનક મે મહિનાની શરૂઆતમાં જ આંકડો ઘટીને 12 હજારની નજીક આવી ગયો. લોકોને હાશકારો થયો કે હવે ગુજરાતમાં કોરોનાની પીક ઘટી છે. કોરોના કાબૂમાં આવી રહ્યો છે. એવા ખોટા વહેમમાં ના રહો. લોકો જાણે જ છે કે આંકડાની માયાજાળમાં તમે માહેર છો. શા માટે આવી રીતે લોકોને છેતરો છો. હાલ દર 100 ટેસ્ટમાં 9થી વધુ લોકો પોઝીટીવ આવે છે. એ હિસાબે તમે 50 હજારથી વધુ ટેસ્ટ ઓછા કર્યા છે. આંકડો તમે જ ગણી લો સરકાર. કે કેટલા કેસ વધુ આવી શકે. ગુજરાતમાં કોરોનાના કેસ નહીં ટેસ્ટિંગના આંક ઘટી ગયા છે. લોકોને પણ હવે ખબર પડી ગઈ છે. જેણે હાલાકી ભોગવી છે તેને ખબર છે કે રાજ્યમાં શું સ્થિતિ છે.ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો યથાવત જ છે. પોઝીટીવીટી રેટ 9 ટકાથી પણ વધારે છે. 10 દિવસ પહેલા એટલે કે 23 એપ્રિલે રાજ્યમાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 13804 લોકો પોઝીટીવ આવ્યા હતા. 24 એપ્રિલે 1.85 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 14 હજારથી વધુ લોકો સંક્રમિત થયા હતા. મે મહિનામાં ટેસ્ટિંગ ઘટાડી દેવાયું છે. સરકારી આંકડા મુજબ 1 મેના 1,50,771 લોકોનું ટેસ્ટિંગ કરાયું તેમાં 13487 લોકો પોઝીટીવ આવ્યા હતા. અને 2 મેના ટેસ્ટિંગની સંખ્યા 1,37,714 લોકોનું ટેસ્ટિંગ કરાતા 12978 લોકો સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં 1.90 લાખ લોકોનું ટેસ્ટિંગ થતું હતું તે ઘટાડીને કેમ 1.38 લાખ સુધી નીચું લાવી દેવાયું છે. ટેસ્ટિંગની સંખ્યા લગભગ 50 હજાર જેટલી ઓછી કરી દીધી છે. જેથી કોરોનાના કેસ ઓછા તો દેખાવાના એ તો સ્વાભાવિક છે.