દુનિયાભરમાં કોરોનાની વેક્સિનને લઇને અનેક સ્ટડીઝ ચાલી રહી છે અને નવી-નવી વાતો સામે આવી રહી છે. અત્યાર સુધી એવુ માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની સામે એન્ટીબોડી બનાવવા માટે વેક્સિનના બે ડોઝ જરૂરી છે. પરંતુ હવે એક સ્ટડીમાં નવી વાત સામે આવી છે. આ સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુકયા છે, તેમની ઉપર વેક્સીનનો એક ડોઝ પૂરતો છે. આવા લોકો પર વેક્સિનનો એક ડોઝ જ કોરોનાની સામે પૂરતુ પ્રોટેક્શન આપવામાં કારગર છે.આ સ્ટડીને લંડનની ઇંપીરિયલ કોલેજ, ક્વીન મેરી યુનિવર્સિટી અને યુનિવર્સિટી કોલેજના વૈજ્ઞાનિકોએ મળીને કરી છે. આ સ્ટડી એક સાયંસ જર્નલમાં છપાઇ છે. સ્ટડીમાં દાવો છે કે જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, તેમનામાં વેક્સીનના એક ડોઝથી જ પૂરતી એન્ટીબોડી બની ગઇ. વૈજ્ઞાનિકોએ આ સ્ટડી સાઉથ આફ્રીકન વેરિએન્ટ પર કરી હતી. તેમને આશા છે કે બ્રાઝીલ વેરિએન્ટ (P.1) અને ઇન્ડિયન વેરિએન્ટ (B.1.617 અને B.1.618) પર પણ અસરકારક હોઇ શકે છે. ઇંપીરિયલ કોલેજના પ્રોફેસર રોઝમેર બોયટને જણાવ્યું, અમારી સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ લાગ્યો અને જેને પહેલા સંક્રમણ નથી થયું, તેમને કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત થવાનો ખતરો છે. તેમણે કહ્યું કે તેથી લોકોને વેક્સીનનો બીજો ડોઝ લેવો જરૂરી છે. તેમણે કહ્યું કે, કોરોનાના નવા-નવા સ્ટ્રેન સામે આવી રહ્યાં છે. તેવામાં જરૂરી છે કે વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવામા આવે. તેથી જે લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચુક્યા છે, તેમને વેક્સિનનો એક ડોઝ જ લગાવીને ઇમ્યુન કરી શકાય છે.
