એક જ પરિવારની ત્રણ સહિત કુલ ચાર મહિલાઓ પર જયપુરના એક આશ્રમમાં એક આધ્યાત્મિક ગુરૂ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. ભાનક્રોતા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર ચાર મહિલાઓએ શૈલેન્દ્ર મહેતા સામે ફરિયાદ દાખલ કરી છે. મહિલાઓએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તેઓ સત્સંગ સહિતની પ્રવૃત્તિઓ માટે તપસ્વી આશ્રમમાં જતા હતાં ત્યારે આશ્રમના આધ્યાત્મિક ગુરુએ અમારી પર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે પીડિતાઓના જણાવ્યાં અનુસાર તેઓ વર્ષોથી તેમના પરિવારજનો સાથે આ આશ્રમમાં જતા હતાં. સેવા કરવા માટે આ મહિલાઓ એક કે બે દિવસ આશ્રમમાં પણ રોકાતી હતી. આ જ સમય દરમિયાન તેમના પર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. એક જ પરિવારની ત્રણ મહિલાઓએ મંગળવારના રોજ ફરિયાદ દાખલ કરી હતી જ્યારે ચોથી મહિલાએ બુધવારે એફઆઇઆર દાખલ કરાવી હતી. આ બાબત એ સમયે સામે આવી જ્યારે એક મહિલાએ પતિની સાથે પોતાની દીકરીને આશ્રમમાં લઇ જવાની ના પાડી હતી જ્યારે પતિએ પોતાની દીકરીને પણ આશ્રમમાં લઇ જવાની જીદ પકડી તો તે જ પરિવારની અન્ય બે મહિલાઓએ પણ હિંમત કરીને પોતાની આપવીતી સંભળાવી હતી. ત્યાર બાદ આ પરિવારે આશ્રમના ગુરૂ સામે ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
