દેશની બે દિગ્ગજ બેંકો ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી બેંકની કેટલીક સેવાઓ આજે એટલે કે શુક્રવારે રાતે થોડા સમય માટે બાધિત રહેશે. બંને બેંકોએ આ અંગે પોતાના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકોએ તેમના ગ્રાહકોને નેટ બેન્કિંગ, યુપીઆઈ વગેરે કામ શુક્રવારે દિવસે જ પતાવી દેવા વિનંતી કરી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ જણાવ્યું કે, 7 મેની રાતે 10:15 (PM) વાગ્યાથી 8 મેની સવારે 1:45 (AM) વાગ્યા સુધી બેંક મેઈન્ટેનન્સનું કામ ચાલુ રહેશે.બેંકના કહેવા પ્રમાણે આ સમય દરમિયાન એસબીઆઈના કસ્ટમર્સ INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે. એસબીઆઈએ પોતાના કરોડો ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું હતું. બેંકના કહેવા પ્રમાણે કસ્ટમર એક્સપીરિઅન્સને વધુ સારો બનાવવા આ કામ કરવામાં આવી રહ્યું છે.ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એચડીએફસી બેંકે પણ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. બેંકના કહેવા પ્રમાણે શુક્રવારે રાતે તેમની નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ બાધિત રહેશે. બેંકે ગ્રાહકોને મોકલેલા ઈમેઈલમાં લખ્યું હતું કે, ‘કેટલીક નિર્ધારિત મેઈન્ટેનન્સની ગતિવિધિઓ માટે 8 મેની રાતે 02:00 (AM) વાગ્યાથી સવારે 05:00 (AM) વાગ્યા સુધી નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ ઉપલબ્ધ નહીં થાય. અમને અસુવિધા માટે ખેદ છે.’
