ભારતના દવા ઉત્પાદકો સતત એવી ચેતવણી આપી રહ્યા છે કે, ચીનના માલવાહક વિમાનો પરના પ્રતિબંધના કારણે સમગ્ર વિશ્વમાં દવાઓનો પુરવઠો જોખમમાં મુકાઈ શકે છે. તેનાથી ભારતને તો મુશ્કેલી પડી જ રહી છે પણ ભારત જે દેશોમાં દવાઓની નિકાસ કરે છે તેમને પણ મુશ્કેલી પડી શકે છે. દવાઓના પુરવઠા માટે અમેરિકા પણ અનેક હદ સુધી ભારત પર નિર્ભર છે. આ સંજોગોમાં જો દવાઓના ઉત્પાદનને અસર પહોંચશે તો અનેક દવાઓની અછતનું સંકટ સર્જાશે.હકીકતે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ચીનની સરકારી સિચુઆન એરલાઈન્સે આગામી 15 દિવસ માટે પોતાની કાર્ગો ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ભારતીય ઔષધિ નિર્માતા સંઘ (IDMA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ દોષીના કહેવા પ્રમાણે ચીન ભારતના દવા ઉત્પાદકો દ્વારા વપરાતા કાચા માલનો 60થી 70 ટકા હિસ્સો અને તે સિવાય સમગ્ર વિશ્વના માર્કેટ માટે મોકલાતી દવાઓની સામગ્રી પૂરી પાડે છે.મહેશ દોષીએ સંભવિત સંકટથી ચિંતિત થઈને 29 એપ્રિલના રોજ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, જો ચીન આ રીતે કાર્ગો ફ્લાઈટ પર પ્રતિબંધ મુકી રાખશે તો સમગ્ર વિશ્વમાં દવાઓનો પુરવઠો પ્રભાવિત થશે.
