ભારત હાલ કોરોના મહામારીના ભયંકર પ્રકોપનો સામનો કરી રહ્યું છે. ભારતમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશની મોટા ભાગની હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન અને અન્ય જરૂરી મેડિકલ સામગ્રીઓની અછત વર્તાઈ રહી છે. જો કે, ભારતના કોરોના સામેના જંગમાં અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે.અનેક દેશ અને વિદેશી એજન્સીઓ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય મોકલી રહી છે. તેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓએ પણ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ભારતને આશરે 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર મોકલી આપ્યા છે. આ સાથે જ આશરે 1 કરોડ મેડિકલ માસ્ક પણ મોકલી આપ્યા છે.સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘સંયુક્ત રાષ્ટ્રનું દળ ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય અને સ્થાનિક બંને સરકારોનો સહયોગ કરી રહ્યું છે. યુનિસેફ, ડબલ્યુએચઓ, યુએનએફપીએએ આશરે 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખથી વધારે ફેસ શિલ્ડ ભારતને મોકલ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના દળે વેન્ટિલેટર અને ઓક્સિજન ઉત્પાદન સંયંત્ર પણ ખરીદ્યા છે.
