વ્હોટ્સએપ પ્રાઇવેસી પોલિસીમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા ચેટિંગ પ્લેટફોર્મે અહીંયા 15 મેની ડેડલાઇનને દૂર કરી નાખી છે. કંપનીએ પોતાના નવા નિવેદનમાં જણાવ્યું કે, ‘તે આ સમયમર્યાદાને સંપૂર્ણપણે દૂર કરી રહ્યું છે અને આ સિવાય કોઈ પણ વપરાશકર્તાના ખાતાને ડિલીટ નહીં કરવામાં આવે એટલે કે હવે જો વપરાશકર્તાઓ WhatsApp ની પ્રાઇવેસી પોલિસીને નહીં માને તો તેમનું એકાઉન્ટ ડિલીટ નહીં થાય. વોટ્સએપએ વધુમાં જણાવ્યું કે, ‘જે વપરાશકર્તાઓએ કંપનીની પોલિસીને હજી સુધી નથી સ્વીકારી તેઓની માટે કંપની આગામી કેટલાંક સપ્તાહમાં નવા રીમાઇન્ડર્સ જારી કરશે.’
તમને જણાવી દઇએ કે, આ પહેલાં વોટ્સએપ દ્વારા પ્રાઇવેસી પોલિસીને રજૂ કર્યા બાદ તેની માલિકીની કંપની ફેસબુકએ સતત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે, અનેક વપરાશકર્તાઓ WhatsApp છોડીને સિગ્નલ અને ટેલિગ્રામ એપ્લિકેશન પર શિફ્ટ થઇ રહ્યાં છે અને આ એપ્સના યુઝર્સ સતત હજુ પણ વધી રહ્યાં છે.
અગાઉ જ્યારે વોટ્સએપએ પોતાના વપરાશકર્તાઓને પ્રાઇવેસી પોલિસીની વિશે જણાવ્યું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધીમાં આને સ્વીકારવું પડશે. આવું ન કરવા પર વપરાશકર્તાઓના એકાઉન્ટને ડિલીટ કરી નાખવામાં આવશે કે જેઓ આમ નહીં કરે. જો કે, કંપનીએ પોલિસી બદલ્યા પછી લોકો તેનો સખત વિરોધ કરી રહ્યાં હતાં અને એપમાંથી પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી રહ્યાં હતાં. આવી સ્થિતિમાં વોટ્સએપએ તુરંત જ પોતાની ડેડલાઇનની અંતિમ તારીખ વધારીને 15 મે કરી દીધી હતી.