વડોદરા શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હોસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી તકલીફોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા સારવાર લઈ રહેલા એક દર્દીનુ મોત થયુ હતુ પણ મોત પહેલા તેણે બનાવેલા છેલ્લા વિડિયોમાં તે ઓક્સિજન માસ્ક પહેરેલી હાલતમાં હાંફતા-હાંફતા કહે છે કે, હું અહીંયા પાણી પણ જાતે ભરી રહ્યો છું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સારવાર લઈ રહેલા આ દર્દીનુ આજે મોત થયુ હતુ.મળતી વિગતો પ્રમાણે મૂળે મોડાસના અને હાલમાં મકરપુરા જીઆઈડીસી પાસે રહેતા ૩૪ વર્ષના પરેશ ભૂરાભાઈ ખાંટને ૧૩ દિવસ અગાઉ કોરોના થતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમનુ ઓક્સિજન લેવલ ઘટી જતા પહેલા ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાંથી તેમને પાયોનિયર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અહીંયા તેઓ સારવાર લઈ રહ્યા હતા પણ તેમના પરિવારજનોનુ કહેવુ છે કે, દર્દીઓ માટે હોસ્પિટલની અંદર કોઈ સુવિધાઓ નથી.અમે તેમને જમવાનુ સાંજે ૬ વાગ્યે પહોંચાડતા હતા અને તેમન રાત્રે નવ વાગ્યે આ જમવાનુ મળતુ હતુ.છેલ્લે તેમણે જે વિડિયો બનાવ્યો હતો તેમાં તેમણે કહ્યુ હતુ કે, મારે ત્રણ દિવસથી પાણી પણ જાતે ભરવા જવુ પડે છે.આ દરમિયાન દર્દીનો પાણીનો બોટલ પણ નીચે પડેલો જોઈ શકાય છે. પરિવારજનોએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમારી પાસે હોસ્પિટલમાં ૨૭૦૦૦ રુપિયા ચાર્જ લેવામાં આવ્યો છે.જ્યારે તેમને ફ્રી બેડ પર દાખલ કરાયા હતા.આ ચાર્જ શેનો લેવાયો છે તેની અમને ખબર નથી.
