ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓની શરમજનક હરકત: સ્પેનિશ ખેલાડીઓ સાથે મેદાન પર જ ગરમાગરમ ઝપાઝપી; FIFA લાદી શકે છે મોટો પ્રતિબંધ
વિશ્વના સૌથી મોટા રમત મહોત્સવ ‘ફિફા વર્લ્ડ કપ 2026’નો અંત અત્યંત રોમાંચક પરંતુ વિવાદિત મોડ પર આવ્યો છે. 16 વર્ષના લાંબા વિરામ બાદ સ્પેને ફરી એકવાર ફૂટબોલ વિશ્વ કપ પર પોતાનો કબજો જમાવ્યો છે. પરંતુ, આ ઐતિહાસિક ફાઇનલ મેચ બાદ મેદાન પર જે દ્રશ્યો સર્જાયા તેણે ખેલદિલીને શર્મસાર કરી દીધી છે. રવિવાર (19 જુલાઈ) ના રોજ ન્યૂ યોર્ક વિસ્તાર (અમેરિકા) ના ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં 2022 ના વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની આ શરમજનક હારને પચાવી ન શકતા આર્જેન્ટિનાના ખેલાડીઓ આપા ખોઈ બેઠા હતા અને મેચ પૂરી થતાં જ સ્પેનિશ ખેલાડીઓ સાથે ઉગ્ર ઝપાઝપી અને હિંસક વર્તન પર ઉતરી આવ્યા હતા.
સ્પેનની 16 વર્ષ પછી ઐતિહાસિક જીત: ફેરન ટોરેસ બન્યો હીરો
અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી આ મહા-મુકાબલાની ફાઇનલ મેચ શરૂઆતથી જ ખૂબ જ રોમાંચક અને દબાણથી ભરેલી રહી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે નિયત સમય સુધી કાંટાની ટક્કર જોવા મળી હતી. બંને ટીમોના ડિફેન્સ એટલા મજબૂત હતા કે નિયમિત 90 મિનિટના રમત સુધી એક પણ ટીમ ગોલ કરવામાં સફળ રહી નહોતી.

ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગઈ હતી. એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન સ્પેનના સ્ટાર ખેલાડી ફેરન ટોરેસે આર્જેન્ટિનાના રક્ષણત્મક કવચને તોડીને એક શાનદાર અને નિર્ણાયક ગોલ ફટકાર્યો હતો. આ એકમાત્ર ગોલના દમ પર સ્પેને 2022ના ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી માત આપીને 2010 પછી પહેલીવાર એટલે કે 16 વર્ષના લાંબા રાહ જોયા બાદ વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી.
અંતિમ વ્હિસલ વાગતા જ મેદાન યુદ્ધના મેદાનમાં ફેરવાયું
જેવી રેફરીએ ફાઇનલ મેચ પૂરી થવાની આખરી વ્હિસલ વગાડી, સ્પેનિશ ખેલાડીઓ જીતની ખુશી ઉજવવા લાગ્યા હતા, પરંતુ આ જ સમયે આર્જેન્ટિનાના ખેલાડીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર, મેચ પૂરી થતાં જ સ્પેનિશ ડિફેન્ડર એરિક ગાર્સિયા જમીન પર પડી ગયો હતો. જેવા ગાર્સિયા ઊભો થયો, આર્જેન્ટિનાનો મિડફિલ્ડર લીએન્ડ્રો પેરેડેસ તેની સાથે ઉગ્ર દલીલો કરવા લાગ્યો હતો.

વાત એટલી વધી ગઈ કે પેરેડેસે ગાર્સિયા અને વચ્ચે બચાવ કરવા આવેલા ગાવી બંનેનું ગળું પકડી લીધું હતું અને ધક્કો માર્યો હતો. વાતાવરણ વધુ ત્યારે બગડ્યું જ્યારે આર્જેન્ટિનાના ડિફેન્ડર નાહુએલ મોલિનાએ સ્પેનના એક સબ્સ્ટિટ્યૂટ (અવેજી) ખેલાડીના પેટમાં જોરથી મુક્કો મારી દીધો. મેદાન પર અચાનક સર્જાયેલા આ હિંસક વાતાવરણને કારણે સિક્યુરિટી અને અન્ય સપોર્ટ સ્ટાફે વચ્ચે પડવું પડ્યું હતું. મેચ પૂરી થયા બાદ પેરેડેસને આ અભદ્ર અને હિંસક વર્તન માટે રેફરી દ્વારા રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું.