કોરોનાના કારણે દેશમાં દરરોજ સ્થિતિ કથળી રહી છે. તેના માટે નવા વેરિએન્ટ્સને પણ જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. કોરોનાની આ બીજી લહેરમાં લોકોને એવુ સંક્રમણ થઇ રહ્યું છે, જેમાં ઘણા ઓછા દિવસોમાં જ તેની હાલત ગંભીર થતી જાય છે અને તેમને બચાવવા મુશ્કેલ બને છે. તેવામાં કેટલાંક લક્ષણો પર ધ્યાન આપવુ અને તેનો અહેસાસ થતા વિશેષજ્ઞોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના કોરોના સંક્રમિતોને તાવ આવે છે. સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફની સાથે જો તાવ પણ આવે તો તે સંક્રમણનો એક મજબૂત સંકેત છે. એક સ્ટડીમાં આશરે 40 ટકા કોરોના સંક્રમિત દર્દીઓએ શ્વાસ લેવામાં તકલીફની વાત કરી છે. તેવામાં જો દર્દીનું ઓક્સિજન લેવલ 94થી નીચે જાય તો તેણે તરત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઇએ અને જરૂર પડે તો તાત્કાલિક ધોરણે ઓક્સિજન સપોર્ટ લેવા માટે તૈયાર રહેવુ જોઇએ. વાયરસ આપણા શરીરના અંગો પર ગંભીર અસર કરે છે. તેના કારણે બ્લડ ઇંફેક્શન પણ થઇ શકે છે. કારણ કે કોવિડ 19 શરીરમાં લોહીના પ્રવાહ દ્વારા જ ફેલાય છે. તેના કારણે પલ્મોનરી એમ્બોલિઝ્મ થઇ શકે છે. એટલે કે બ્લડ ક્લોટ તૂટીને ફેફસામાં ફેલાઇ જાય છે. તેનાથી દર્દીને છાતીમાં દુખાવો થાય છે અને ફેફસામાં લોહીના સપ્લાયમાં સમસ્યા થાય છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ફેફસા સાથે સંબંધિત સમસ્યા વધુ થઇ રહી છે. તેના પગલે આ વખતે ડોક્ટર ચેસ્ટ એક્સ-રે અથવા સીટી સ્કેન કરાવવાની સલાહ વધુ આપી રહ્યાં છે, જેથી ફેફસામાં ઇન્ફેક્શનના લેવલને જાણીને જ યોગ્ય સારવાર કરી શકાય. કોવિડ-19થી સંક્રમિત અનેક દર્દીઓમાં ન્યૂમોનિયા થવાના કેસ સામે આવ્યા છે. આ ઘણો ગંભીર હોય છે અને તેનાથી છાતીમાં ફ્લૂડ વધવા લાગે છે. તેના દર્દીઓને રાતના સમયે વધુ તકલીફ રહે છે. ઘણાં કોરોના સંક્રમિત દર્દીઓને સૂકી ઉધરસ પણ થાય છે. તે પણ રેસ્પિરેટરી સિસ્ટમને પ્રભાવિત કરે છે તેથી આ લક્ષણ સામે આવતા જ ડોક્ટરનો સંપર્ક કરો કારણ કે તેના ગંભીર થવા પર પાંસળી અને છાતીમાં દુખાવાની સમસ્યા થાય છે.
