ભાવનગર માં જે જગ્યા ઉપર કોવિડ કેર સેન્ટર બનાવાયું છે તે કાળુભા રોડ પર આવેલી હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે આગ લાગતા ભારે ભાગદોડ ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, તાત્કાલિક મદદ મળી જતા સદનસીબે દર્દીઓ ને બચાવી લેવામાં આવ્યા હતા.
વિગતો મુજબ મોડી રાત્રે 12.24 કલાકે હોટલના ત્રીજા માળના રૂમ નં.303માં કોવિડ સેન્ટર માં ટીવીના યુનિટમાં શોક સર્કિટ ને કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી પરિણામે કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં બૂમાબૂમ થતા ભાગદોડ મચી હતી, આગની ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ થઈ હતી જેમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે દર્દીઓને ખસેડાયા હતા.
દરમિયાન ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટનાની તપાસ કરી કસુરવાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
