દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે હોબાળો! ૧૦૦થી વધુ ઘાયલ, કેજરીવાલ-રાહુલ પહોંચ્યા RML હોસ્પિટલ!
બે દિવસની હિંસા અને ઘર્ષણ બાદ બુધવારે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)નું ‘સંસદ ચલો’ આંદોલન સતત ત્રીજા દિવસે પણ જારી રહ્યું હતું. બીજી તરફ, પરિસ્થિતિને થાળે પાડવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે સાંજે મેદાંતા હોસ્પિટલમાં જઈને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી.
પ્રથમ દિવસની હિંસક ઘટનાઓ બાદ મંગળવારે પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિરોધકર્તાઓ જંતર-મંતર ખાતે એકઠા થયા હતા. તેઓ CJP ના વિરોધ પ્રદર્શન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને સમર્થન આપી રહ્યા હતા. જે લોકો સોમવારના પ્રદર્શનમાં જોડાણ કરી શક્યા ન હતા, તેઓ પણ બીજા દિવસે મોટી સંખ્યામાં સામેલ થયા હતા.
સોમવારે થયેલી હિંસાને પગલે જંતર-મંતર પર સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત ગોઠવાયા હતા. પોલીસે વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો હતો. મળતી માહિતી મુજબ, આ અથડામણ દરમિયાન આશરે ૭૦ વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ૧૦૦થી વધુ ઘાયલ પ્રદર્શનકારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. દિલ્હી પોલીસે ઈજાગ્રસ્તોનો આ આંકડો ૧૧૮ દર્શાવ્યો હતો.

આ આંદોલનની ગૂંજ સંસદની અંદર પણ સંભળાઈ હતી. આઆમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ વિદ્યાર્થીઓના આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમણે સરકારની કામગીરીની ટીકા કરતા ચોમાસુ સત્ર દરમિયાન NEET પેપર લીક મુદ્દે તાકીદની ચર્ચા કરવાની માંગ કરી હતી. સંસદની બહાર પણ અસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં વિપક્ષે જોરદાર પ્રદર્શનો કર્યા હતા.
નેતાઓની હોસ્પિટલ મુલાકાત: ઘાયલ વિદ્યાર્થીઓની ખબર-અંતર પૂછ્યા
કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સોમવારના ઘર્ષણમાં ઘવાયેલા આંદોલનકારીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો પાસેથી માહિતી મેળવી હતી.
ત્યારબાદ, AAPના રાષ્ટ્રીય કન્વીનર અર્વિંદ કેજરીવાલ, દિલ્હી AAP પ્રમુખ સૌરભ ભારદ્વાજ અને લોકસભામાં વિપક્ષી નેતા આતિશી સહિતના નેતાઓએ હોસ્પિટલ પહોંચી ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. કેજરીવાલે દિલ્હી પોલીસ પાસે માંગ કરી હતી કે આ પ્રદર્શન અંગે નોંધાયેલી તમામ FIR અને એફઆઈઆર વગર અટકાયતમાં લેવાયેલા લોકોની યાદી જાહેર કરવામાં આવે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ RML હોસ્પિટલ પહોંચીને સારવાર હેઠળના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોમાં એક યુવતીની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે.
વડાપ્રધાન મોદીનું આશ્વાસન: પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે
એનડીએ (NDA) ના સાંસદોની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, NEET પેપર લીકમાં સામેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી દેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈ રમત ન રમી શકે. તેમણે રાષ્ટ્રીય હિતમાં આવી ગેરરીતિઓ રોકવા માટે તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. CJP દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કરાયેલી માર્ચના બીજા દિવસે પીએમનું આ નિવેદન સામે આવ્યું છે.

સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી
પોતાના ભૂખ હડતાળના ૨૪મા દિવસે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાની દિલ્હી હાઈકોર્ટે મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે પોતાના અગાઉના વલણમાં ફેરફાર કરીને આ પ્રસ્તાવ સ્વીકારી લેતા કોર્ટે ડિસ્ચાર્જનો આદેશ આપ્યો હતો. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે વાંગચુક ડોક્ટરોની સલાહ વગર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ન લે. હાઈકોર્ટે મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટરને તેમની આરોગ્ય સ્થિતિ પર સતત નજર રાખવા માટે ડોક્ટરોની ટીમ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
પીએમના મૌન પર રાહુલ ગાંધીના પ્રહાર, પ્રિયંકાએ માગ્યું રાજીનામું
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અંગે વડાપ્રધાન મોદીના મૌન પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે વડાપ્રધાને દેશના યુવાનોની માફી માંગવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ એક ખોખલી થઈ ગયેલી શિક્ષણ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકાર તેમની સમસ્યાઓ ઉકેલવાને બદલે શક્તિપ્રદર્શન કરી રહી છે.
કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ વારંવાર થતા પેપર લીકને યુવાનોના ભવિષ્ય સાથે મોટો ખિલવાડ ગણાવીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
પીએમ આવાસ બહાર કોંગ્રેસનો ધરણાં પ્રદર્શન
મંગળવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર અચાનક આપેલા ધરણાથી દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓને વિજય ચોક પર પ્રદર્શનની માહિતી હતી, પરંતુ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ સીધા ૭, લોક કલ્યાણ માર્ગ પહોંચી ગયા હતા. તેમણે દિલ્હી પોલીસની કાર્યવાહી સામે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે નારેબાજી કરી હતી.
પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી સાથે ટૂંકી વાતચીત કરી હતી. પાછળથી તેમણે દાવો કર્યો હતો કે વિપક્ષ હવે NEET પર ચર્ચા કરવાને બદલે માત્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અડી ગયો છે.
CJP ના પ્રવક્તા વિજેતા દહિયા બરતરફ
દરમિયાન, CJP એ તેના પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પોલીસ કાર્યવાહી દરમિયાન તેઓ પ્રદર્શન સ્થળેથી ભાગતા દેખાયા હતા અને બાદમાં બર્ગર ખાતા ખાતા સફાઈ આપી રહ્યા હતા, જેની વ્યાપક ટીકા થઈ હતી.
શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જંતર-મંતર પહોંચ્યા; મમતા બેનર્જીનું સમર્થન
અનેક વિપક્ષી નેતાઓએ જંતર-મંતર પહોંચીને આંદોલનકારી વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એનસીપી (શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ દોહરાવી હતી.
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રદર્શન સ્થળની મુલાકાત લઈને કહ્યું, “હું અહીં ભાષણ આપવા નથી આવ્યો, પરંતુ યુવા શક્તિને નમન કરવા આવ્યો છું. આ ક્રાંતિની મશાલ હવે હોલવાશે નહીં.”
બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કરતા કહ્યું કે જરૂર પડશે તો તેઓ પોતે દિલ્હી આવીને પ્રદર્શનમાં જોડાશે.