ઉત્તરપ્રદેશનાં નવવિવાહિત જોડી જેના દાંપત્ય જીવનની હમણા જ શરૂઆત થઈ હતી કે એવામાં મહામારી કાળ બનીને આ દંપતીનો ઘરસંસાર ભાંગવા માટે તેમના ઘરઆંગણે આવીને ઊભી રહી ગઈ હતી. જે ઘરમાં લગ્નપ્રસંગની ઉજવણી કરાઈ હતી ત્યાં અત્યારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. 30 એપ્રિલના રોજ શોભિત અને રુબીના લગ્ન થયા હતા, પરંતુ લગ્નાના બીજા દિવસે પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પત્નીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 12મા દિવસે તેનું મૃત્યુ થયું હતું. પત્નીને લગ્નના પાનેતરમાં જ હોસ્પટિલમાં દાખલ કરાઈ હતી અને મૃત્યુ પછી આ જ કપડાંમાં તેને અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી. અત્યારે પતિની હાલત પણ ગંભીર છે. શોભિત કટિયાર 30 એપ્રિલના રોજ જાન લઈને રુબીના ગામમાં ગયો હતો. લગ્નના બીજા દિવસે એટલે કે 1 મેના રોજ શોભિત એની પત્ની સાથે ગામમાં પરત ફર્યો હતો. રુબી જ્યારે સાસરે પહોંચી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તાવ પણ આવ્યો હતો. પરિવારના સભ્યોએ તાત્કાલિક ધોરણે રુબીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હોવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો નહોતો અને તે મૃત્યુ પામી. અત્યારે તેનો પતિ શોભિત પણ કોરોના સામેની જંગ લડી રહ્યો છે. પતિનું સ્વાસ્થ્ય પણ નબળું જણાઈ રહ્યું છે.
