લીલાં શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે. જો હૃદય રોગની બીમારીથી દૂર રહેવું હોય તો દરરોજ એક કપ લીલાં શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલાં શાકભાજીમાં નાઈટ્રેટની માત્રા વધારે હોય છે, જે હૃદય રોગનું જોખમ ઘટાડે છે સાથે જ બ્લડ પ્રેશર પણ સામાન્ય કરે છે. ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ આવો દાવો કર્યો છે. દુનિયાભરમાં થનારી મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય રોગ છે. હૃદય રોગોથી દુનિયાભરમાં દર વર્ષે આશરે 1.79 કરોડ લોકોનાં મૃત્યુ થાય છે. ન્યૂ એડિથ કોવન યુનિવર્સિટીના સંશોધકોએ ડેનમાર્કમાં 50 હજાર લોકો પર આશરે 23 વર્ષ સુધી રિસર્ચ કર્યું. તે દરમિયાન જોવા મળ્યું કે, જે લોકોએ નાઈટ્રેટથી ભરપૂર લીલાં પાંદડાવાળી શાકભાજીને ડાયટમાં સામેલ કરી તેમનામાં હૃદય રોગનું જોખમ 12થી 26% સુધી ઘટી જાય છે. રિસર્ચ દરમિયાન તેમનું લક્ષ્ય હૃદય રોગનું જોખમ ઓછું કરનારા ડાયટ સપ્ટિમેન્ટ્સ માલુમ કરવાનું હતું. લીલાં શાકભાજીની અસર પેરિફરલ આર્ટરી ડિસીઝમાં પણ જોવા મળી છે. તેમાં પગની રક્તવાહિની પાતળી બને છે. લીલાં શાકભાજીનું સેવન કરવાથી આ બીમારીનું જોખમ 26% સુઘી ઘટી જાય છે. આ સિવાય હાર્ટ અટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલનું જોખમ પણ ઘટે છે.
