એવું કહેવામાં આવે છે કે રાત્રે કોઈ પણ આ મંદિરમાં રહી શકતું નથી. લોકોનું માનવું છે કે જે કોઈ પણ રાત્રે આ મંદિરમાં રહે છે તે પથ્થર બની જાય છે. આની પાછળનું સત્ય શું છે, તેનું રહસ્ય આજદિન સુધી અકબંધ છે. તો ચાલો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરને ‘કિરાડુ મંદિર’ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીના રૂપમાં છે. આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહેવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, 1161 બીસીમાં આ સ્થાનનું નામ ‘કીરાટ કુપ’ રાખવામાં આવ્યું હતું. તે પાંચ મંદિરોની એક શ્રૃંખલા છે. તેના મોટાભાગના મંદિરો ખંડેરમાં તબદીલ થઇ ચુક્યા છે. જ્યારે શિવ મંદિર અને વિષ્ણુ મંદિરની હાલત ઠીકઠાક છે. આ મંદિર કોણે બનાવ્યું તે અંગે કોઈ સચોટ માહિતી નથી. મંદિરના નિર્માણને લઈને લોકોની પોતાની માન્યતા છે. પરંતુ, એક સમયે અહીં એવી ઘટના બની હતી, જેનો ભય લોકોમાં છે.એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા એક સાધુ તેના શિષ્યો સાથે આ મંદિર પહોંચ્યા હતા. એક દિવસ તે શિષ્યોને મંદિરમાં છોડી ગયા અને પોતે ક્યાંક ફરવા ચાલ્યા ગયા. આ સમયગાળા દરમિયાન, શિષ્યની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. સાધુના અન્ય શિષ્યોએ ગામ લોકોની મદદ લીધી, પરંતુ કોઈએ તેમને મદદ કરી નહીં. સાધુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થયા અને તેમણે ગામલોકોને શાપ આપ્યો કે સાંજ પછી બધા લોકો પત્થર બની જાય. એવું પણ કહેવામાં આવે છે કે એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી. સાધુએ મહિલાને સંધ્યા પહેલા ગામ છોડી દેવાનું કહ્યું હતું અને પાછળ જોવે નહીં. જો કે, મહિલાએ પાછળ જોયું અને પરિણામ એવું આવ્યું કે તે પણ એક પત્થર બની ગઈ છે. તે સ્ત્રીની મૂર્તિ પણ મંદિરની નજીક સ્થાપિત કરવામાં આવી છે. ત્યારથી, લોકો આ વાતથી ભયભીત છે અને રાત્રે કોઈ પણ તે મંદિરમાં રહેતું નથી.
