દેશમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખતા હાલમાં હાલત અત્યંત ગંભીર છે. સરકાર તરફથી લોકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ તજજ્ઞોનું એવું માનવું છે કે, સાવધાની રાખવાની સાથે સાથે કોરોનાથી બચવાનો સૌથી ઉત્તમ ઉપાય વેક્સિનેશન છે. સરકાર પણ આ દિશામાં તેજીથી કામ કરી રહી છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, વેક્સિન લાગ્યા બાદ વ્યક્તિને સંક્રમણનો ખતરો કેમ ઓછો થઇ જાય છે અને જો તેને સંક્રમણ થઇ પણ જાય તો તેનાથી બહાર નીકળી આવે છે?
એન્ટિજન : આપણાં શરીરની અંદર ઘુસનારા બહારના તત્વો જેવાં કે બેક્ટેરિયા, વાયરસ અથવા તો અન્યને આપણી બોડી દુશ્મન બનાવે છે અને તેની વિરૂદ્ધ એક્શન લે છે. આ બહારના તત્વોની સપાટી પર એક ખાસ પ્રોટીન ઉપલ્બધ હોય છે કે, જેને એન્ટિજન કહેવામાં આવે છે.
એન્ટિબોડી : શરીરમાં પ્રવેશ કરનારા એન્ટિજન વિરૂદ્ધ આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ એન્ટીબોડી બનાવે છે. તે પણ એક ખાસ પ્રોટીન જ હોય છે. તે એન્ટીબોડી જ એન્ટિજન સામે લડે છે અને શરીરને સંક્રમણથી બચાવે છે. તે એન્ટીબોડી એક મેમોરી સેલની જેમ જ કામ કરે છે અને જ્યારે પણ ભવિષ્યમાં તે વાયરસ અથવા બેક્ટેરિયા શરીર પર હુમલો કરે છે તો તે પછીથી તે વાયરસ અથવા તો બેક્ટેરિયા સામે લડીને તેને ખતમ કરી દે છે.જ્યારે પણ આપણે કોઇ બહારના તત્વના સંપર્કમાં આવીએ છીએ તો આપણા શરીરમાં બનનારી એન્ટીબોડી તેને ખતમ કરી નાખે છે અને આપણે બીમાર નથી થતા. ઉલ્લેખનીય છે કે, જ્યારે શરીર પર બેક્ટેરિયા અથવા વાયરસનો હુમલો થાય છે તો શરીર સૌ પહેલાં IgM ટાઇપની એન્ટીબોડી બનાવે છે. આ સાથે જ તેના થોડાંક દિવસ બાદ શરીરમાં IgG ટાઇપની એન્ટીબોડી બને છે. તે IgG ટાઇપ એન્ટીબોડી જ મેમોરી સેલનુ કામ કરે છે અને ભવિષ્યમાં સંક્રમણ થવા પર તેને ખતમ કરી નાખે છે.તમને જણાવી દઇએ કે, વેક્સિનમાં આપણા શરીરમાં કોઇ વાયરસ અથવા બેક્ટેરિયા સાથે મળતા નોન પેથોજેનિક તત્વ આપણા શરીરમાં નાખવામાં આવે છે. આપણું શરીર તેની સામે પણ એન્ટિજન જેવો જ વ્યવહાર કરે છે અને તેની વિરૂદ્ધ એન્ટીબોડી બનાવી લે છે. જ્યારે અસલી વાયરસ અથવા બેક્ટેરિયા આપણા શરીર પર હુમલો કરે છે તો નોન પેથોજેનિક તત્વથી બનેલી એન્ટીબોડી તે વાયરસ વિરૂદ્ધ પણ કામ કરે છે અને આપણે સંક્રમણથી બચી જઇએ છીએ. અનેક વખત સંક્રમણની અસર ખૂબ જ વધારે હોય છે તો આપણે બીમાર થઇ જઇએ છીએ પરંતુ રિકવર પણ થઇ જઇએ છીએ અને સંક્રમણ વેક્સિન લેનારા લોકોને વધારે ગંભીર નુકસાન નથી થતું.