રાજ્યમાં આગામી ૨૪ કલાક સાર્વત્રિક અને ભારે વરસાદની શક્યતા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

૨૪ કલાકમાં તમામ ૨૫૫ તાલુકાઓમાં તોફાની બેટિંગ, ખેડાના મહેમદાબાદમાં ૨૦ ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડે સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. વાદળછાયા વાતાવરણ અને સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે રાજ્યભરમાં આકાશી આફત જેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાનના નિષ્ણાત આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક અને અત્યંત ભારે વરસાદ પડવાની ભીતિ વ્યક્ત કરી છે. તેમના પૂર્વાનુમાન મુજબ, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિવિધ ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવવાની પૂરેપૂરી શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું જોખમ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા સરહદી અને પહાડી વિસ્તારો સાથે જોડાયેલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોખમ રહેલું છે. આ ઉપરાંત, વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

Rain.1

રાજ્યના પાટનગર ગાંધીનગર અને મેગાસિટી અમદાવાદમાં પણ આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક નદી-નાળાઓમાં પૂર આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમણે તમામ નાગરિકોને પોતાના જન-ધનની સુરક્ષા કરવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

૨૪ કલાકમાં તમામ ૨૫૫ તાલુકામાં મેઘ મહેર, જળબંબાકારની સ્થિતિ

છેલ્લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ તો મેઘરાજાએ રાજ્યના તમામ ૨૫૫ તાલુકાઓમાં હાજરી પુરાવીને જળબંબાકાર કરી દીધો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદમાં રેકોર્ડબ્રેક ૧૯.૯૬ ઈંચ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદના ધોળકામાં ૧૮.૬૨ ઈંચ, નવસારીના ચીખલીમાં ૧૭.૭૬ ઈંચ, ખેરગામ અને વલસાડના ઉમરગામમાં ૧૭.૦૯ ઈંચ તથા સુરતના ઉમરપાડામાં ૧૭.૦૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં છેલ્લા ૬૦ કલાકના સમયગાળામાં કૂલ ૫૫ ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ ખાબકતા નીચાણવાળા સોસાયટીઓ અને રસ્તાઓ જળમગ્ન બન્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ૧૧ થી ૧૪ ઈંચ જેટલો વરસાદ પડતાં અનેક જગ્યાએ વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

Rain

આજે પણ ૧૮૯ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ

આજે સવારથી જ રાજ્યના ૧૮૯ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. માત્ર અડધા દિવસમાં જ ૨૩ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ પાણી પડી ગયું છે. ખેડાના મહેમદાબાદ અને આસપાસના વિસ્તારોમાં ફરી ૪.૪૧ ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં ૨.૮૭ ઈંચ અને ભાભરમાં ૨.૪૮ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના જામકંડોરણા, બગસરા, હળવદ અને અમરેલીમાં પણ ૧ થી ૨ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સર્જાયેલા ભેજ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. જોકે, આ મુશળધાર વરસાદથી એકતરફ જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, તો બીજી તરફ વિલંબિત વરસાદથી ચિંતિત ખેડૂતોના ઊભા પાકને નવું જીવનદાન મળ્યું છે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત સાંપડી છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.