કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસ એક નવું સંકટ બનીને સામે આવ્યું છે. તેની પર સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, બ્લેક ફંગસ સંક્રમણની બીમારી નથી. ઇમ્યુનિટીની ઊણપથી જ બ્લેક ફંગસ થાય છે. તે સાઇનસ, રાઇનો ઓર્બિટલ અને મગજ પર અસર કરે છે. તે નાના આંતરડામાં પણ જોવામાં આવ્યું છે. અલગ-અલગ રંગોથી તેની ઓળખ કરવી એ અયોગ્ય છે.એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ‘એક જ ફંગસને અલગ-અલગ રંગોના નામથી ઓળખ આપવી એ કંઇ યોગ્ય નથી. તે સંક્રમણ એટલે કે છૂઆછૂતથી નથી ફેલાતું.’ તેઓએ વધુમાં જણાવ્યું કે, સાફ-સફાઇનું ધ્યાન રાખો. ઉકાળેલું પાણી વધારે પીવો.નાકની અંદર દુ:ખાવો-પરેશાની, ગળામાં દુ:ખાવો અને ચહેરા પર સંવેદના ઓછી થવી, પેટમાં દુ:ખાવો થવો એ તમામ તેના લક્ષણ છે. રંગના બદલે લક્ષણો પર ધ્યાન આપો. સારવાર જલ્દી થશે તો ફાયદો અને બચાવ બંને નિશ્ચિત છે.ગુલેરિયાએ વધુમાં જણાવ્યું કે, ‘રિકવરી રેટમાં વધારા બાદ લોકોને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ 12 સપ્તાહ સુધી રહી શકે છે. શ્વાસની સમસ્યા, ઉધરસ, છાતીમાં દુ:ખાવો અને થાક, તણાવ અને અનિંદ્રા જેવી ફરિયાદ રહેતી હોય છે. તે માટે કાઉન્સલિંગ, રિબાબિલિટેશન અને ટ્રીટમેન્ટ ખાસ જરૂરી છે. યોગ પણ ઉત્તમ કામ કરે છે.
