વલસાડ જિલ્લા ના પારડી નજીક એક ગામમાં એકલવાયું જીવન જીવતા 72 વર્ષના વિધવા માજી ના ભોળપણ નો ફાયદો ઉઠાવી ઠગ તાંત્રિકોએ 100 વર્ષ સુધી જીવવા સહિત ખેતીની આવક વધશે એમ કહીને તાંત્રિક વિધિ કરાવવાના નામે નવસારીના બે તાંત્રિકે ઠગે વૃદ્ધા પાસેથી સાડા 6 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 92 હજાર પડાવતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતો મુજબ પારડી નજીક આવેલ આમળી ગામે દિપાલી ફળિયામાં રહેતા 72 વર્ષના નિર્મળાબેન ભીમાભાઇ પટેલ પતિના અવસાન થયા બાદ એકલવાયુ જીવન જીવે છે. દરમિયાન અગાઉ તેમના ઘરે બે યુવકો જલારામ મંદિરના લાભાર્થે દાન લેવા માટે આવ્યા હતા એ સમયે નિર્મળાબેને યુવકોને દાન પેટે એક હજાર રૂપિયા આપતા યુવકોએ જણાવ્યું હતું કે, અમે તાંત્રિક વિધિ પણ કરીએ છીએ જો તમને કોઇ કનડગત હોય તો જણાવો જેથી કરીને તમારા ધરે આવીને વિધિ કરી જઇશું. થોડા દિવસ પછી આ ઠગ ટોળકી પરત તેમના ઘરે આવીને કહ્યું હતું કે, તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને બંને ઠગોએ વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ પુરી થયા બાદ ઠગ ઇસમો 6 તોલાના સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 1 લાખ 30 હજાર તથા 21 હજાર રોકડા લઇને ચાલી ગયા હતા. ત્યારબાદ અમુક દિવસે ત્રણેય ઠગ તેમના ઘરે આવીને રોકડા 10 હજારથી લઇને 50 હજાર રૂપિયા લઇ જતા હતા.
દરમિયાન તા.20મી મે ના રોજ નવસારી જિલ્લાના ધોધમુવાનો રહીશ બ્રિજેશ નામક ઠગ ભગતે નિર્મળાબહેનને ફોન કરીને હજી કેટલીક વિધિ બાકી હોય એક લાખ રૂપિયા આપો અને તમારા દાગીના પણ પરત કરી દઇશું તેમ જણાવતા અને વારંવાર પૈસા માંગતા વૃદ્ધાને આખરે પોતે છેતરાઇ હોવાનું જણાતા તેઓએ તેમના સંબંધીને જાણ કરવા સાથે નિર્મળાબહેને પારડીના પીએસઆઇ બી.એન.ગોહિલને તમામ હકીકત જણાવતા ઠગ તાંત્રિક ટોળકીને પકડવા માટે છટકું ગોઠવી ત્રણેયને ઝડપી લેવાયા હતાં.
ભોગ બનનારી મહિલા નિર્મળાબેનનો પતિ ભીમાભાઇ છગનભાઇ પટેલ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. નિવૃત થયા બાદ તેમણે ગામમાં શાળા બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, તેમનેકોઇ સંતાન ન હોવાથી હાલમાં નિર્મળાબને એકલા જ હોવાથી તેમનો લાભ લઇને આ ઠગ ટોળકી એ માજી ને ઉલ્લુ બનાવી પૈસા પડાવ્યા હોવાનો મામલો પ્રકાશ માં આવ્યો હતો.