ગુજરાતમાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરવી મોંઘું બન્યુ છે. સરકારે કોરોનાની સારવારના દર નક્કી કર્યાં હોવા છતાંય ખાનગી હોસ્પિટલો જાણે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.દર્દીઓ પાસેથી મનફાવે તે રીતે ફી વસૂલી રહી છે. અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલે કોરોનાના એક દર્દી પાસેથી 22 દિવસની સારવાર માટે રૂા.10 લાખનુ બિલ ધરી દીધુ હતુ તેમાં ય માત્ર ડોક્ટરની વિઝીટ ફી પેટે જ રૂા.4.40 લાખ વસૂલ્યા હતાં જેના પગલે વિવાદ જન્મયો છે. ગુજરાતમાં કોરોનાના કેસો હવે માંડ માંડ ઘટી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઇ છે. સરકારી હોસ્પિટલોમાં બેડ ન મળતાં દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવુ પડયુ હતું. આ સંજોગોમાં ખાનગી હોસ્પિટલોએ પણ વર મરો,કન્યા મરો,પણ ગોરનું તરભાણું ભરો તેવી નીતિ અપનાવી દર્દીઓ પાસેથી નાણાં ખંખેર્યા હોવાની ફરિયાદો ઉઠી છે. નવરંગપુરામાં રહેતાં મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ કોરોનાથી સંક્રમિત થયા હતા જેના કારણે તેમને વસ્ત્રાપુર સ્થિત સંજીવની હોસ્પિટલમાં 18મી એપ્રિલે દાખલ કરાયા હતાં. 22 દિવસની સારવાર બાદ દર્દી અમથાભાઇએ કોરોનાને મહાત આપી હતી. જોકે,22 દિવસ સુધી કોરોનાની સારવાર માટે કુલ રૂા.10 લાખનું બિલ આપી દેવાયુ હતું. દર્દીના સગા આટલો મોટો ખર્ચ જોઇ એક તબક્કે અચંબામાં મૂકાઇ ગયાં હતાં કેમકે, ડૉક્ટરની પ્રતિ વિઝીટની ફી રૂા.10 હજાર દર્શાવાઇ હતી. 22 દિવસમાં ફિઝીશીયન ડોક્ટરે વોર્ડમાં 44 વખત વિઝીટ કરી હતી જેના પેટે રૂા.4.40 લાખ વિઝીટ ફી વસૂલાઇ હતી. આઇસીયુ વોર્ડનો ય ચાર્જ રૂા.3.92 લાખ લેવાયો હતો. કોવિડ ટેસ્ટના ય રૂા.900 ફી વસૂલવામાં આવી હતી. દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો હતોકે, ખાનગી હોસ્પિટલોએ દર્દીને દાખલ થતાં પહેલાં આવી વિઝીટ ફી સહિતના ખર્ચ અંગે જાણ કરતી નથી. જેના કારણોસર ગરીબ દર્દીઓને છેલ્લી ઘડીએ કયાંથી નાણાં લાવવા એ પ્રશ્ન સર્જાય છે. કોરોનાકાળમાં ય ખાનગી હોસ્પિટલો માનવતા નેવે મૂકીને જાણે કમાણી કરી રહી છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે મનફાવે તેમ ફી લેનારી હોસ્પિટલો સામે પગલાં ભરવા માંગ ઉઠી છે.
