કોરોનાકાળની બીજી લહેરથી દેશભરમાં કોહરામ મચેલો છે. જેમાં કેટલાય સેક્ટરો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, કેન્દ્રની મોદી સરકાર કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત સેક્ટર માટે રાહત પેકેજ આપવા પર વિચાર કરી રહી છે. ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, કોરોનાકાળમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા સેક્ટરને રાહત પેકેજ આપવાની તૈયારી ચાલી રહી છે. જેનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકડાઉનથી ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવાનો હશે.
આ સેક્ટરને આપશે પ્રાથમિકતા
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નાણામંત્રાલય નાના અને મધ્યમ આકારની કંપનીઓની સાથે સાથે પર્યટન, વિમાન અને અતિથિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના પ્રસ્તાવ પર કામ કરી રહી છે.આ બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યુ છે કે, આ અંગેની ચર્ચા હાલ શરૂઆતના તબક્કામાં છે, હાલમાં જાહેરાત અંગે કોઈ સમય નક્કી કર્યો નથી. જો કે, નાણામંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરવાની હાલ તો મનાઈ કરી છે.
કોવિડની બીજી લહેરમાં ભારતને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ વર્ષે ભલે પ્રધાનમંત્રી મોદી ગત વર્ષની સરખામણીએ રાષ્ટ્રીય લોકડાઉન લગાવવાનો ઈન્કાર કર્યો હોય, પણ વધતા કોરોનાના કેસ અને મોતના આંકડાથી પ્રભાવિત થયેલા રાજ્યોને લોકડાઉન લાગૂ કરવા માટે વિવશ કર્યા હતા. ભારતના ઔદ્યોગિક રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડૂ સહિત કેટલીય સ્થાનિક સરકારોએ વાયરસના પ્રસારને રોકવા માટે પ્રતિબંધો લાગૂ કર્યા હતા.