વિશ્વભરમાં કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. કોરોનાવાઈરસ સંબંધિત અવનવાં ચોંકાવનારા રિસર્ચના પરિણામો સામે આવી રહ્યા છે. એક નવાં રિસર્ચ પ્રમાણે જે લોકો દાંતના પેઢાંની બીમારીથી પીડિત છે તેમને કોરોનાને કારણે મૃત્યુ થવાનું જોખમ 8.8 ગણું વધારે છે. સંક્રમણ થવા પર આવા દર્દીઓને સામાન્ય લોકોની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત 3.5 ગણી વધી જાય છે. આ દાવો કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના રિસર્ચર્સે તેમનાં રિસર્ચમાં કર્યો છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, પેઢાંમાં સમસ્યા હોય તો કોરોના થવા પર આવા દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ લેવાની આશંકા 4.5ગણી વધી જાય છે. જો તમે આ પ્રકારનાં જોખમથી બચવા માંગો છો તો તમારે યોગ્ય ઓરલ હેલ્થ રૂટિન ફોલો કરવું જરૂરી છે. તેનાથી દાંત સંબંધિત સમસ્યાથી તો છૂટકારો મળશે જ સાથે કોરોના પછીનાં જોખમ અને કેન્સર જેવી બીમારીથી પણ બચી શકાશે. જોન્સન એન્ડ જોન્સન કન્ઝ્યુમર ઈન્કોર્પોરેશનમાં ગ્લોબલ ડાયરેક્ટર ઓફ ઓરલ કેર ડૉ. માઈકલ લિંચ કહે છે કે, ખાટાં ફળ અને જ્યુસ પીધા બાદ ઈનેમલ મુલાયમ થઈ જાય છે. તરત બ્રશ કરવાથી તેને નુક્સાન થઈ શકે છે. તેથી ખાટાં પદાર્થો લીધાના 30થી 60 મિનિટ પછી બ્રશ કરવું. દાંત સાફ કરવા માટે મોંની પાછળના ભાગથી શરૂઆત કરો. મોંના 4 ભાગ માની તેને ટોપ લેફ્ટ, ટોપ રાઈટ, બોટમ લેફ્ટ અને બોટમ રાઈટમાં બ્રશ કરો. બ્રશને 45 ડિગ્રી એંગલે રાખો. અર્થાત બ્રશ અડધું પેઢાં અને અડધું દાંત પર હોવું જોઈએ. દરેક સેક્શનમાં 30 સેકન્ડ સુધી બ્રશ કરો. સુગરવાળી વસ્તુઓ વધારે નુક્સાનદાયક છે કારણ કે પ્લેકના બેક્ટેરિયા તેનાથી જ એસિડ બનાવે છે. કેચઅપ, સોડા, સ્પોર્ટ્સ ડ્રિન્ક, ફ્લેવર્ડ યોગર્ટ, પાસ્ટા સોસ જેવી જંક ફૂડ આઈટેમ્સથી દૂર રહો.
