ભારતમં બીજી કહેરમાં ભયંકર તબાહી મચાવ્યા બાદ હવે કોરોના વાયરસનો પ્રકોપ ઘટી રહ્યો હોવાના સંકેત મળ્યા છે. દેશમાં 25 મે ના રોજ દેશમાં 41 દિવસ બાદ પહેલીવાર 2 લાખથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. જેની સાથે સાથે દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને પણ 4000ની નીચે આવી જતા સરકારે શ્વાસે લીધો છે.
ભારતમાં 25 મે, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.96 લાખ કેસો સામે આવ્યા છે. જે છેલ્લા 41 દિવસમાં સૌથી ઓછા છે. તે સાથે જ દૈનિક કેસો મહિનામાં પ્રથમ વખત બે લાખની નીચે ગયા છે. આ દરમિયાન એક જ દિવસમાં કોરોનાને કારણે 3511 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ એક્ટિવ કેસો પણ હવે ઘટીને 25 લાખે પહોંચી ગયા છે. જે એક સમયે 35 લાખની પાર હતા, એટલે કે ગણતરીના દિવસોમાં જ 10થી 12 લાખનો ઘટાડો એક્ટિવ કેસોમાં થયો છે. હાલ દૈનિક 20 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 24મી મેના રોજ પણ 20.58 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કુલ ટેસ્ટિંગનો આંકડો 33.25 કરોડને પાર પહોંચી ગયો છે.
બીજી તરફ નેશનલ ટેક્નીકલ એડવાઇઝરી ગુ્રપના વર્કિંગ ગુ્રપના ચેરમેન ડો. એન કે અરોડાએ જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં બાળકો પર જોખમ વધુ રહેશે તેવા દાવાઓ પર વિશ્વાસ ન કરવો. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બીજી લહેરમાં મોટાભાગની વયના લોકોને અસર થઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના પોઝિટિવિટી રેટ વધુ ઘટીને 9.54 ટકાએ પહોંચી ગયા છે.
એક્ટિવ કેસોમાં માત્ર 24 કલાકમાં 1.33 લાખનો ઘટાડો થયો છે. જે કુલ કેસોના 9.60 ટકા છે. જે વધુ 3511 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં મહારાષ્ટ્રના 592, કર્ણાટકના 529, તમિલનાડુના 404, દિલ્હીના 207, કેરળના 196, પંજાબના 187નો સમાવેશ થાય છે. દેશમાં કુલ મૃત્યુઆંક ત્રણ લાખને પાર પહોંચી ગયો છે અને હવે આંકડો 307231ને પાર કરી ગયો છે.